મુંબઈઃ બોલિવુડના એક અદના કલાકાર ઇરફાન ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. 29 એપ્રિલે મુંબઈની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 53 વર્ષના ઇરફાન ખાન લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે પોતાની બીમારીની જાહેરાત વર્ષ 2018માં સોશિયલ મિડિયાના માધ્યમથી કરી હતી અને સારવાર માટે લંડન ગયા હતા. બે વર્ષે એ સ્વસ્થ થઈને સ્વદેશ પાછા ફર્યા હતા ત્યારે એમના ચાહકો ખુશ થયા હતા.
સ્વદેશ ફરીને અને સ્વસ્થ થઈને ઈરફાને હિન્દી સિનેમાને ફિલ્મો પણ આપી હતી. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મિડિયમ’ તો ગયા મહિને 13 માર્ચે જ રિલીઝ થઈ હતી. જ્યારથી ઇરફાન પરત ફર્યા હતા, ત્યારથી તેમના ચહેરા પર એક નબળાઈ અને થાક વર્તાતો હતો. ‘પદ્મશ્રી’થી સન્માનિત ઇરફાન ખાન પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને છોડી ગયા છે. 23 ફેબ્રુઆરીએ 1995એ તેમણે સુતાપા સિકદર સાથે નિકાહ કર્યાં હતાં અને તેમને બે પુત્રો છે – બાબિલ ખાન અને અયાન ખાન. ઇરફાન ખાનનો મૂળ પરિવાર રાજસ્થાનના ટોંક જિલ્લાનો છે. તેમના માતા-પિતા ટોંકમાં જ રહેતા હતા. ઇરફાન ખાનનું બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું.
આટલી મિલકત
ઇરફાન ખાને 30થી વધુ ફિલ્મો તથા અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. મિડિયા અહેવાલો અનુસાર ઇરફાન ખાન પત્ની સુતાપા અને બે સંતાન માટે આશરે રૂ. 320 કરોડની પ્રોપર્ટી મૂકતા ગયા છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 15 કરોડ લેતા હતા. ઇરફાન ખાને અનેક ટીવી જાહેરખબરોમાં પણ કામ કર્યું હતું. તેઓ એક જાહેરખબરમાં કામ કરવા માટે રૂ. પાંચ કરોડ લેતા હતા. ઇરફાન ખાનને નામે મુંબઈમાં એક આલીશાન બંગલો અને એક ફ્લેટ પણ છે.
કારોનો કાફ્લો
ઇરફાન ખાન અનેક લક્ઝરી કારના માલિક પણ હતા. તેમની પાસે ટોયોટા સેલિકા, BMW, મસરાટી ક્વાટ્રોપોર્ટે અને ઓડી જેવી લક્ઝરી કારોનું કલેક્શન હતું. ઇરફાન ખાને આશરે રૂ. 110 કરોડનું અંગત મૂડીરોકાણ પણ કરી રાખ્યું હતું.