બોલીવૂડમાં વર્ષ 2022માં સૌથી નફાકારક ફિલ્મ આ રહી…

મુંબઈઃ નવું વર્ષ 2023 આવવામાં કેટલાક જ દિવસો બચ્યા છે. આ વર્ષે બોલીવૂડની અંતિમ રિલીઝ હિન્દી ફિલ્મ ડિરેક્ટર રોહિત સેઠ્ઠીની ‘સર્કસ’ છે, જેનો બોક્સ ઓફિસ પર રિસ્પોન્સ બહુ ઠંડો છે. આ પહેલાં અજય દેવગણની ‘દ્રશ્યમ-2’એ શાનદાર દેખાવ કર્યો છે. વર્ષ 2022માં હિન્દી ફિલ્મો ખાસ હિટ નથી રહી, જ્યારે ઓછા બજેટવાળી ફિલ્મોએ હિન્દી પટ્ટામાં કમાલ કરી છે. આ વર્ષે 1162 ટકા નફા સાથે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ સૌથી નફાકારક ફિલ્મ રહી છે.

ધ કશ્મીર ફાઇલ્સ

વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’- આ ફિલ્મ માત્ર રૂ. 20 કરોડના બજેટમાં બની હતી, જ્યારે એનું બોક્સ ઓફિસ કલેક્શન આશરે રૂ. 232.50 કરોડનું રહ્યું છે. જેથી એ ફિલ્મે રૂ. 1162 કરોડનો નફો કર્યો છે.

કાંતારા

સાઉથના સ્ટાર ઋષભ શેટ્ટીની આ વર્ષે સૌથી સારી ફિલ્મોમાંથી એક ‘કાંતારા’નો ખર્ચ રૂ. 7.5 કરોડ હતો અને આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 81 કરોડનું કર્યું છે. આમ એ ફિલ્મે 981 કરોડનો નફો કર્યો છે.

કાર્તિકેય-2

ચંદુ મોંદેતીના ડિરેક્શનવાળી ફિલ્મ ‘કાર્તિકેય 2’એ રૂ. 25.50 કરોડની કમાણી કરી છે, જ્યારે તેની પડતર રૂ. 4.50 કરોડની છે. આમ આ ફિલ્મે 566 ટકા નફો કર્યો છે.

KGF ચેપ્ટર-2

‘KGF ચેપ્ટર-2’એ રૂ. 434.62 કરોડનો વેપાર કર્યો છે. આ ફિલ્મ બનાવવાનો ખર્ચ રૂ. 90 કરોડ હતો. આમ આ ફિલ્મે 383 ટકા નફો કર્યો છે.

દ્રશ્યમ-2

બોલીવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ‘દ્રશ્યમ-2’ આ વર્ષની એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. રૂ. 80 કરોડમાં બનેલી આ ફિલ્મે રૂ. 230 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે  185 ટકાનો નફો કર્યો હતો.

ભુલભુલૈયા-2

કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ સ્ટાટર ફિલ્મ ફિલ્મ ‘ભુલભુલૈયા-2’ છે. આ ફિલ્મ રૂ. 65 કરોડમાં તૈયાર થઈ હતી ને બોક્સ ઓફિસ પર રૂ. 185.57 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે 185.49 ટકાનો નફો કર્યો છે.

RRR

એસએસ રાજા મૌલીના ડિરેક્શનમાં બનેલી ‘RRR’ પણ આ લિસ્ટમાં છે. આ ફિલ્મ પર રૂ. 130 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે આનું કલેક્શન આશરે રૂ. 277 કરોડ રહ્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 113 ટકા નફો કર્યો હતો.