મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાને તેની 2015ની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. સલમાને ‘RRR’ના પ્રી-રિલીઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં તેણે સિક્વલ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ફિલ્મનિર્માતા કરણ જૌહર, એસએસ રાજામૌલીની સાથે RRR એક્ટર જુનિયર NTR, રામ ચરણ અને આલિયા ભટ્ટ હાજર હતાં. આ સિક્વલને એસએસ રાજા મૌલીના પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્રારા લખવામાં આવી છે. જેમણણે મૂળ ફિલ્મ માટે સૌથી શ્રેષ્ઠ વાર્તા માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો.
સલમાન ખાને જેવી આ ઘોષણા કરી હતી કે તરત જ કરણ જૌહરે ઉત્સુકતાથી સલમાનને સવાલ કર્યો હતો કે શું આને ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલની ઘોષણા સ્વરૂપે લઈ શકાય, ત્યારે સલમાને તેનો કરણને જવાબ હામાં આપ્યો હતો. જોકે સલમાની તાજેતરનાં વર્ષોમાં રિલીઝ થયેલી ‘રેસ-3’, ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ દર્શકોને ખૂબ ખુશ નહોતી કરી શકી.
કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કરીના કપૂર અને નવાજુદ્દીન સિદ્દીકીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 17 જુલાઈ, 2015માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનને લઈને એકતાનો સંદેશ હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 300 કરોડની કમાણી કરી હતી અને વિશ્વમાં આ ફિલ્મે રૂ. 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. ‘બજરંગી ભાઈજાન’ ભારતીય ફિલ્મ જગતમાં સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી.