હૈદરાબાદ – એક આગામી મલયાલમ ફિલ્મના લવ સોંગ, જેમાં ટીનેજ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એક સહ-કલાકાર સામે આંખ મિચકારે છે, એનાં વિડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે અને પ્રિયાને પોપ્યૂલર કરી દીધી છે, પરંતુ તે એક મુસીબતમાં પણ મૂકાઈ ગઈ છે. એની સામે તેમજ આ ફિલ્મના નિર્માતાઓ સામે શહેરના ફલકનુમા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ શહેરના ફારુક નગરના કેટલાક મુસ્લિમ યુવાનોએ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, હૈદરાબાદના ફારુક નગરનાં કેટલાક યુવાઓને ફિલ્મનાં ગીતનાં અમુક શબ્દો સામે વાંધો છે. એમનું કહેવું છે કે પ્રિયા પ્રકાશને દર્શાવતો વિડિયો તો સારો છે, પણ જ્યારે ગીતનો અનુવાદ કરવામાં આવ્યો ત્યારે એમાં વાપરવામાં આવેલા અમુક શબ્દ ધર્મની લાગણીને દુભાવે એવા છે. એટલે જ એમણે એફઆઈઆર નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના ગીતનો વિડિયો ગઈ 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના ગીતનો વિડિયો 26 સેકંડનો છે. એમાં 18 વર્ષીય પ્રિયા એક સ્કૂલ વિદ્યાર્થિનીનો રોલ કરી રહી છે અને એનાં એક સાથી વિદ્યાર્થી (કલાકાર છોકરાનું નામ છે, અબ્દુલ રઉફ)ની સાથે ફ્લર્ટ કરી રહી છે. બંને જણ એકબીજાં સામે આંખોની શરારત કરે છે, ભમ્મરને નચાવે છે અને પછી પ્રિયા પેલા છોકરા સામે આંખ મારે છે, સ્માઈલ કરે છે.
આ ગીતે ઈન્ટરનેટ પર ધમ્માલ મચાવી દીધી છે.
પ્રિયા વારિયર રાતોરાત દેશ આખાના યુવાનોની ક્રશ થઈ ગઈ છે. એનાં ઈન્સ્ટાગ્રામ પર નવા ફોલોઅર્સનો ઢગલો થઈ ગયો છે. પ્રિયાનાં ફોલોઅર્સનો આંકડો વધીને 26 લાખ થઈ ગયો છે. એનાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટની આગળ બ્લુ રંગનું ટિક લાગી ગયું છે. મતલબ કે, એના આ એકાઉન્ટ્સ વેરિફાઈડ થઈ ગયા છે.