‘વેલેન્ટાઈન્સ ડે’ વિશે બોલીવૂડ કલાકારોએ ૧૬ વર્ષ પહેલાં ‘જી’ મેગેઝિનને કહેલી વાત

‘વેલેન્ટાઈન્સ ડે’ વિશે આ બોલીવૂડ કલાકારોએ જ્યારે દર્શાવ્યાં હતાં એમનાં મંતવ્ય અને જણાવ્યું હતું એમને થયેલા અનુભવ વિશે…
(‘જી’મેગેઝિન 1-15 ફેબ્રુઆરી, 2002ના અંકમાંથી સાભાર)

અક્ષય કુમારઃ મને તો આમાં ધંધાની બૂ આવે છે

પ્યાર માસૂમ હોય છે એ વાત સાથે હું સહમત થાઉં છું. હું ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે ક્લાસ ટીચરને કહી બેઠેલોઃ મેડમ, મૈં આપ સે પ્યાર કરતા હૂં. જવાબમાં ટીચરે જોરદાર થપ્પડ મારીને દિવસે તારા દેખાડી દીધેલા. પણ, મારા પ્યારે પીછેહઠ ન કરી. લગ્ન પૂર્વે મેં કેટલીયને પ્યાર કર્યો, પરંતુ વેલેન્ટાઈન ડેની ક્યારેય વાટ ન જોઈ. સાચું માનજો મેં એ વિશે ક્યારેય કાંઈ જાણવાની કોશિશ સુદ્ધાં નથી કરી અને એ વિશે હું કશું જાણતો પણ નથી, કારણ પ્યારનો અભાવ ક્યારેય નથી વર્તાયો. પરદેશની આ પ્રથા મૂળ તો લાખો-કરોડોનો ધંધો કરવા માટે જ આપણે ત્યાં ઊજવાતી હોય એવું લાગે છે. હું આ પરંપરાનો વિરોધી છું. જોકે પ્રતિબંધ મૂકવાનું નથી કહેતો, કારણ ઘણા છોકરા-છોકરીઓને આ પરંપરા ગમે છે.

સૈફ અલીઃ સમજ્યા હવે…

પ્યારના એહસાસની ઉષ્મા મને અમ્રીતા પાસેથી મળી. મારી પ્રપોઝલને તાબડતોબ સ્વીકારીને પત્ની બની. હું મારા આ પહેલા પ્યારથી પરિપૂર્ણ થઈ ગયો. ભણતો ત્યારે વેલેન્ટાઈન ડેને ક્યારેય મહત્વ નથી આપ્યું. ત્યારે આવી ખાસ પરંપરા પણ નહોતી અને વેલેન્ટાઈન ડેને પ્યારનો પર્યાય હિંદુસ્તાનમાં તો ગણી જ ન શકાય.

ગ્રેસી સિંઘઃ આમાં ખોટું શું છે?

ખુશી કે પ્યારના આદાનપ્રદાન માટે દેશની સીમા દીવાર ખડી ન કરી શકો. બીજા દેશોમાં આપણા તહેવારોની બોલબાલા છે. તો એમના તહેવાર આપણે ઉજવીએ એમાં ખોટું શું છે? એમાંય વેલેન્ટાઈન ડે તો પ્યાર મોહબ્બતનું પ્રતીક છે. પ્રેમ-શાંતિનું આદાનપ્રદાન કરવું એ તો આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ છે. કેટલાક જો ગેરલાભ ઊઠાવે તો એમાં વાંક આપણો છે. તહેવારનો નહીં. મારા ઘરમાં પરિવાર સાથે શિષ્ટ રીતે ઉજવાય છે. મારા દોસ્તો આજેય કાર્ડ-ગિફ્ટ્સ પાઠવીને દોસ્તી મજબૂત બનાવે છે. હું એને વ્યાપાર નથી માનતી. એમ જુઓ તો ન્યૂ યર પણ વિદેશી પરંપરા છે. એ દિવસે લાખ્ખો કરોડોનો વ્યાપાર થાય જ છેને!

સુનિલ શેટ્ટીઃ સમય જ ક્યાં છે?

આ બધું કોલેજ લાઈફ દરમિયાન ઠીક છે, અમારી પાસે આ દિવસ મનાવવાનો સમય જ ક્યાં છે? હોળી-દિવાળી માંડ ઉજવી શકીએ. બાળકો આ દિવસ ધામધૂમથી ઉજવે છે. મારાં સંતાનો તો પહેલેથી જ જાણી લે છે કે વેલેન્ટાઈન ડેને દિવસે હું કઈ ગિફ્ટ્સ આપવાનો છું. વેલેન્ટાઈન ડેના વિરોધીઓ વાસ્તવમાં આ ભાવના નથી સમજતા.

એશા દેઓલઃ આપણા તહેવારો કરતાં પણ સારો તહેવાર

હું તો વેલેન્ટાઈન ડેને આપણા કોઈ પણ તહેવાર કરતાં વધુ બહેતર માનું છું. અને 14 ફેબ્રુઆરીનો આતુરતાથી ઈંતઝાર કરું છું. પ્યાર-મોહબ્બતનો એકરાર કરવામાં દેશી-વિદેશી સંસ્કૃતિની દીવાલ શા માટે? કેટલાક મફતમાં પ્રચાર માટે જાણી જોઈને વિરોધ નોંધાવે છે. 14 ફેબ્રુઆરીએ સૌથી પહેલાં હું મારી નાની બહેન (આહના)ને ગિફ્ટ આપું છું. હવે હું સ્ટાર બની ગઈ છું તેથી આ વર્ષે કોણ જાણે કેટલા પુરાણા દોસ્તો-સખીઓ મને મળવા આવશે. કદાચ એમને સંકોચ થાય. જોકે હું યાદ રાખીને સૌને કાર્ડ્સ અને ગિફ્ટ્સ જરૂર મોકલીશ.