મુંબઈ – હિન્દી ફિલ્મો તથા બિગ બોસ ટીવી શોનો સ્પર્ધક અરમાન કોહલી કાયમ ખોટી રીતે સમાચારોમાં ચમકતો રહે છે. આ વખતે એ દારૂની બાટલીઓ ઘરમાં ગેરકાયદેસર રાખવા બદલ વિવાદમાં સપડાયો છે. આ વખતે તો એની પોલીસે ધરપકડ કરી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, પોલીસે અરમાનને મુંબઈમાં એના નિવાસસ્થાનેથી પકડ્યો છે, કારણ કે એણે એના ઘરમાં શરાબની 41 બોટલ ગેરકાયદેસર રીતે રાખી હતી. આ શરાબ એણે વિદેશમાંથી ખરીદ્યો હતો.
કાયદો એવું કહે છે કે, કોઈ પણ વ્યક્તિ સ્કોચ, વ્હિસ્કી અને રમ જેવા હાર્ડ લિકરની 12થી વધારે યુનિટ્સ એક મહિનાથી વધારે સમય સુધી રાખી ન શકે. વળી, કાયદો કોઈ પણ વ્યક્તિને વિદેશમાંથી એક જ સમયે લિકરની એક બોટલથી વધારે લાવવાની પરવાનગી આપતો નથી.
પોલીસે બાન્દ્રા સ્થિત એક્સાઈઝ ડ્યૂટી ઓફિસમાં બોલાવીને અરમાનની પૂછપરછ કરી હતી અને એની પાસેથી મળી આવેલા શરાબની કિંમત જાણી હતી.
બોમ્બે લિકર પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 63 (ઈ) અનુસાર, જો અરમાન કસૂરવાર સાબિત થશે તો એને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. એને કેટલી રકમનો દંડ ફટકારવો એ નિર્ણય પણ કોર્ટ લેશે.
અરમાન અગાઉ પણ કાનૂની વિવાદમાં સપડાઈ ચૂક્યો છે.
આ વર્ષના જુલાઈમાં, તેની લાઈવ-ઈન પાર્ટનર નીરુ રંધાવાએ નોંધાવેલી ફરિયાદ પરથી અરમાનની લોનાવલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. નીરુ રંધાવાએ એવી ફરિયાદ કરી હતી કે અરમાને એની મારપીટ કરી હતી. બાદમાં, અરમાને નીરુને વળતર પેટે મોટી રકમ ચૂકવી દીધા બાદ મુંબઈ હાઈકોર્ટે એની સામેની એફઆઈઆર રદબાતલ કરી નાખી હતી. હાઈકોર્ટે બાદમાં, આર્થર રોડ જેલના સુપ્રીન્ટેન્ડન્ટને આદેશ આપ્યો હતો કે તે અરમાનને જેલમાંથી છોડી દે, કારણ કે કેસ સમાપ્ત થઈ ગયો છે.
હાઈકોર્ટના જજે અરમાન પાસે એક સોગંદનામું પણ લખાવ્યું હતું કે જેમાં અરમાને કહ્યું હતું કે જે કંઈ બન્યું એ બદલ એને અફસોસ છે અને તે ફરીવાર આવી હરકત ક્યારેય નહીં કરે.
અરમાન કોહલીએ 1992માં વિદ્રોહી ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એણે બિગ બોસ સીઝન-7માં પણ ભાગ લીધો હતો.