નવી દિલ્હી – ચૂંટણી પંચે આજે આદેશ બહાર પાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝને અને વડા પ્રધાન મોદીની રેલીઓ તથા ભાષણોનું પ્રસારણ કરતી ‘નમો ટીવી’ ચેનલના પ્રસારણને લોકસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અટકાવી દીધા છે. પંચે એમ પણ કહ્યું છે કે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન થાય એ રીતે કોઈ પણ પ્રકારની સામગ્રી ક્યાંય પણ દર્શાવવી નહીં.
બાયોપિક ફિલ્મ 11 એપ્રિલ, ગુરુવારે રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું હતું.
ચૂંટણી પંચના ઓર્ડર પર વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનરો – સુશીલચંદ્ર અને આલોક લવાસાએ સહી કરી છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે મોદીની બાયોપિક ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકતો આદેશ NaMo TV ઉપર પણ લાગુ થયો છે. આ ટીવી ચેનલને પણ ચૂંટણીની મુદત દરમિયાન પ્રસારિત કરી શકાશે નહીં.
17મી લોકસભાની ચૂંટણી માટેની આચારસંહિતા ગઈ 10 માર્ચથી દેશભરમાં લાગુ કરી દેવામાં આવી છે.
વિરોધ પક્ષોએ આ ફિલ્મની રિલીઝ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
વિપક્ષોની ફરિયાદ હતી કે આ ફિલ્મમાં સર્જનાત્મક આઝાદીના નામે એક ચોક્કસ પાર્ટી અને એક ચોક્કસ ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો છે અને એમને મત આપવા માટે મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવી છે તેથી તે ચૂંટણી આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સમાન છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણીની આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હોવાને કારણે તે આ ફિલ્મની રિલીઝને મંજૂરી આપી શકે નહીં.
ચૂંટણી પંચે તેના ઓર્ડરમાં જણાવ્યું છે કે એને ‘પીએમ નરેન્દ્ર મોદી’ સહિત ત્રણ ફિલ્મ વિશે ફરિયાદ મળી છે. આ ફિલ્મો રાજકીય સ્વાતંત્ર્યના બહાના હેઠળ કોઈ ચોક્કસ ચૂંટણી ઉમેદવાર કે રાજકીય પક્ષની ચૂંટણી જીતની શક્યતાને ઘટાડી શકતી અથવા વધારી શકતી હોવાનો દાવો કરાયો હતો.
ચૂંટણી પંચે ઉમેર્યું છે કે એ વાત ખરી કે આ ફિલ્મો સર્જનાત્મક સામગ્રીનો એક હિસ્સો છે, પરંતુ એની સામે એવી પણ દલીલ થઈ છે કે આ ફિલ્મો ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે અને તેથી ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પાડે એવી પણ પૂરી સંભાવના છે. અન્ય બે ફિલ્મો છે – ‘એનટીઆર લક્ષ્મી’ અને ‘ઉદયામા સિંહમ’.
ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે ‘પીએમ નરેન્દ્ર મોદી’ સહિત કોઈ પણ બાયોપિક ફિલ્મની કોઈ પણ સામગ્રીને કોઈ રાજકીય પક્ષ, સંગઠન કે વ્યક્તિને લાભ કરવાના હેતુવાળી હોય તો એને ઈલેક્ટ્રોનિક મિડિયામાં પ્રદર્શિત કરવી નહીં.
આ ફિલ્મ પહેલાં પાંચમી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પણ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું ન હોવાથી તેને 11 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી.
આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂૂમિકા ભજવી છે.
આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણ અને એ વડા પ્રધાન બન્યા ત્યાં સુધીની સફરને દર્શાવવામાં આવી છે.
ચૂંટણી પંચનો આ આદેશ સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણીના પહેલા રાઉન્ડની પૂર્વસંધ્યાએ આવ્યો છે. આવતીકાલે, 11 એપ્રિલે દેશમાં 20 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 91 સીટ પર મતદાન થવાનું છે.
ચૂંટણી પંચે બહાર પાડેલા આદેશમાં એમ પણ જણાવાયું છે કે જો આદેશનો કોઈ પણ રીતે ભંગ થયેલો જણાશે તો પંચે નિમેલી સમિતિ એનો અભ્યાસ કરશે અને ત્યારબાદ પંચને ઉચિત પગલું લેવાનું સૂચવશે. એ સમિતિના આગેવાન સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત જજ હશે કે કોઈ હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ હશે.