તાજમહલને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરતા ‘તાજ જાહેરનામા’ની દિયા મિર્ઝાએ પ્રશંસા કરી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા એ વાતે ખુશ છે કે આગરાના વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજમહલને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા માટે મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. તાજમહલની અંદર તેમજ આસપાસમાં ડિસ્પોઝેબલ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગનો અંત લાવવા માટે લેવાયેલા પગલાં અને ઐતિહાસિક ઈમારતની આસપાસના 500 મીટરના વિસ્તારને તાજ ડેક્લેરેશન હેઠળ પ્લાસ્ટિક-મુક્ત કરાયો છે તે બદલ દિયાએ ખુશી વ્યક્ત કરી છે.

દિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે તાજમહલ અને આગરા શહેર દુનિયાભરમાંથી પર્યટકોને આકર્ષિત કરે છે. આ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે અને પ્રેમનું પ્રતિક છે. એને પ્લાસ્ટિકના પ્રદૂષણથી રક્ષણ માટે લેવાયેલા પગલાં માનવ વર્તનમાં સૂચક ફેરફાર લાવશે એવી આપણે આશા રાખીએ.

દિયાએ રવિવારે તાજમહલની મુલાકાત લીધી હતી અને કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન મહેશ શર્મા, યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર એરિક સોલેમને મળી હતી. દિયા યુએનઈપીની ગુડવિલ એમ્બેસેડર છે. એણે કહ્યું કે ‘તાજ જાહેરનામા’નો ઉદ્દેશ્ય આગરાને પ્લાસ્ટિકથી મુક્ત કરાવવાનો છે. આગરા શહેરનો વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.