‘બે-ભારતવાળી’ ટિપ્પણી બદલ કોમેડિયન વીર દાસ સામે પોલીસ ફરિયાદ

નવી દિલ્હીઃ અભિનેતા અને કોમેડિયન વીર દાસે અમેરિકામાં એક મનોરંજક શૉમાં ભારત વિશે અણછાજતી કમેન્ટ કરતાં દિલ્હી પોલીસે એની સામે ફરિયાદ નોંધી છે. વીર દાસે ‘હું બે ભારતમાંથી આવું છું’ શિર્ષકવાળા અને 6-મિનિટના વિડિયોમાં ભારત દેશની બદનામી કરી છે. વીર દાસ હાલ અમેરિકાની મુલાકાતે ગયો છે અને એણે પોતાનો વિડિયો ગયા સોમવારે યૂટ્યૂબ પર અપલોડ કર્યો હતો. આ વિડિયો એણે વોશિંગ્ટન ડીસીના જોન એફ. કેનેડી સેન્ટર ખાતે તાજેતરમાં કરેલા એક શૉની એક ઝલક છે. તે ટૂંકો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. એમાં વીર દાસ ખેડૂત આંદોલન, બળાત્કારની ઘટનાઓ, કોવિડ-19 બીમારી સામે ભારતના પ્રતિસાદ, કોમેડિયનો પર તવાઈ જેવા મુદ્દાઓ પર વાતો કરી છે.

વિડિયોના એક ભાગમાં વીર દાસ બોલે છે, ‘હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસે મહિલાઓની પૂજા કરાય છે અને રાતે એમની પર ગેંગરેપ કરાય છે.’ આ વિડિયોને કારણે સોશિયલ મિડિયા પર વીર દાસની ભારે ઝાટકણી કાઢવામાં આવી છે. પરિણામે દાસે માફી માગી છે. તે છતાં દિલ્હી પોલીસે એની સામે ફરિયાદ નોંધી છે. આશુતોષ દુબે નામના એક એડવોકેટે મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે.

કંગનાએ વીર દાસની ટિપ્પણી સામે વાંધો  ઉઠાવ્યો

દરમિયાન, બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે પણ ભારતીય પુરુષોનાં બેવડાં વલણ અંગે વીર દાસની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે.