મુંબઈ – ગયા અઠવાડિયે રિલીઝ થયેલી પોતાની નવી હિન્દી ફિલ્મ ‘દબંગ 3’ને બોક્સ ઓફિસ પર જે કમાણી થઈ છે એનાથી અભિનેત્રી સોનાક્ષી સિન્હા ખુશ થઈ છે પરંતુ એણે વિવાદાસ્પદ બની ગયેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય પણ જણાવ્યો છે.
એણે કહ્યું છે કે ‘દબંગ 3’ ફિલ્મે કેટલી કમાણી કરી છે એનાં કરતાં નાગરિકતા કાયદા સામે લોકો કેટલો વધારે વિરોધ કરે છે એ તેને મન વધારે મહત્ત્વનું છે.
‘દબંગ 3’ માટે દર્શકો અને વિશ્લેષકો તરફથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. પ્રારંભિક અઠવાડિયામાં અત્યાર સુધીમાં સલમાન ખાન અભિનીત અને નિર્મિત આ ફિલ્મ રૂ. 80 કરોડની કમાણી કરી ચૂકી છે.
નાગરિકતા સુધારિત કાયદા સામે હાલ ચાલી રહેલા આંદોલનો વચ્ચે તારી ફિલ્મ રિલીઝ થઈ છે તો તને કેવું લાગે છે? એવા સવાલના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે, ‘મને લાગે છે કે શું વધારે મહત્ત્વનું છે એ લોકો બરાબર જાણે છે અને મને એ જાણીને આનંદ થયો છે. આખો દેશ સંગઠિત થયો છે અને નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો છે. કોઈ ફિલ્મ કરતાં ચોક્કસપણે આ આંદોલન વધારે મહત્ત્વનું છે. શાંત રીતે વિરોધ વ્યક્ત કરવાનો લોકોનો અધિકાર કોઈ છીનવી ન શકે. લોકોએ રસ્તા પર ઉતરીને કાયદા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, મને એનાથી ગર્વની લાગણી થઈ છે. હું લોકોની સાથે છું.’