રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયતઃ ‘હેલ્લારો’ને એનાયત કરાયો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ

નવી દિલ્હી – ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે આજે અહીં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં જુદી જુદી કેટેગરીઓમાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર તથા અન્ય સિનિયર મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને આપવામાં આવ્યો હતો જ્યારે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ ‘બધાઈ હો’ને આપવામં આવ્યો હતો. ‘હેલ્લારો’નો એવોર્ડ દિગ્દર્શક અભિષેક શાહ તથા એમની ટીમે સ્વીકાર્યો હતો.

‘શ્રેષ્ઠ અભિનેતા’નો એવોર્ડ આયુષ્માન ખુરાના અને વિકી કૌશલને સહભાગે આપવામાં આવ્યો હતો. આયુષ્માનને ‘અંધાધુન’ માટે અને વિકીને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન નાદુરસ્ત તબિયતને કારણે આ સમારોહમાં હાજર રહી શક્યા નહોતા.

સમારોહના આરંભમાં જ અમિતાભની અનુપસ્થિતિની જાહેરાત કરવામાં આવી હતી અને એમ પણ જાણકારી આપવામાં આવી હતી કે અમિતાભને આવતી 28 ડિસેંબરે પ્રતિષ્ઠિત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત કરવામાં આવશે.

સમારંભમાં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ શ્રીરામ રાઘવનને હિન્દી ફિલ્મ ‘અંધાધુન’ માટે એનાયત કરવામાં આવ્યો હતો.

‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો એવોર્ડ કીર્તિ સુરેશને તેલુગુ ફિલ્મ ‘મહાનતી’માં ભજવેલી ભૂમિકા માટે આપવામાં આવ્યો હતો.

હિન્દી ફિલ્મ ‘પેડમેન’ને શ્રેષ્ઠ સામાજિક વિષય પર આધારિત ફિલ્મ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જે એવોર્ડ સ્વીકારવા અભિનેતા અક્ષય કુમાર સ્ટેજ પર હાજર થયા હતા.

રાષ્ટ્રીય એકતા માટે શ્રેષ્ઠ ફિલ્મનો નરગીસ દત્ત એવોર્ડ કન્નડ ફિલ્મ ‘ઓંડલ્લા ઈરડલ્લા’ને આપવામાં આવ્યો હતો.

‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ સ્વાનંદ કિરકીરેને એનાયત કરવામાં આવ્યો છે, મરાઠી ફિલ્મ ‘ચુંબક’માં એમણે કરેલી ભૂમિકા માટે.

‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો એવોર્ડ સુરેખા સિકરીને ‘બધાઈ હો’ ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. તેઓ વ્હીલચેરમાં આવી પહોંચ્યાં હતાં. સૌએ પોતપોતાની સીટ પરથી ઊભા થઈને, તાળીઓનાં ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું હતું.

શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ નૃત્યદિગ્દર્શનનો એવોર્ડ ‘પદ્માવત’ ફિલ્મને ‘ઘૂમર’ ગીત માટે આપવામાં આવ્યો હતો. એ એવોર્ડ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ સ્વીકાર્યો હતો.

વિજેતાઓને એવોર્ડ રૂપે એક સુવર્ણ અને રજત કમલ પ્રદાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન અભિનેત્રીઓ દિવ્યા દત્તા અને સોનાલી કુલકર્ણીએ કર્યું હતું.







કીર્તિ, આયુષમાન ખુરાના, વિકી કૌશલ, અક્ષય કુમાર


સંજય લીલા ભણસાલી


'હેલ્લારો' ફિલ્મના એક દ્રશ્યની તસવીર