૨૦૧૭માં બોલીવૂડની ફિલ્મોમાં ટોપ સ્ટાર્સ કરતાં યુવા કલાકારો વધારે છવાયેલાં રહ્યાં

મુંબઈ – ‘બાહુબલી 2’, ‘ગોલમાલ અગેઈન’ તેમજ નવી રિલીઝ થયેલી ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મોને બાદ કરતાં ૨૦૧૭ના વર્ષમાં મુખ્યત્વે સાદી-સરળ અને ભારતના નાનકડા નગરોનાં જીવન સાથે સંકળાયેલી ફિલ્મોની બોલબાલા રહી.

વર્ષ દરમિયાન ઘણી વાર એવું જોવા મળ્યું હતું કે ટોચના સિતારાઓવાળી કમર્શિયલ ફિલ્મો કરતાં યુવા કલાકારોને ચમકાવતી નાના બજેટવાળી ફિલ્મો દર્શકોની વધારે વાહ-વાહ મેળવી ગઈ હતી.

એક્ઝિબિટર્સનું કહેવું છે કે આ વર્ષમાં એવું જોવા મળ્યું છે કે સુપરસ્ટાર્સ નહીં, પણ સારી સ્ક્રિપ્ટ ફિલ્મોની સફળતા માટે મહત્વની રહી. કેટલીક ફિલ્મોમાં કોઈ ટોચના સિતારાઓ નહોતા, તે છતાં એમણે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો, એનું કારણ હતું એની કન્ટેન્ટ.

૨૦૧૭ના વર્ષની શરૂઆત ઋતિક રોશન અભિનીત ‘કાબિલ’ અને શાહરૂખ ખાનની ‘રઈસ’થી થઈ હતી. બંનેએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.

મધ્યમ બજેટની કેટેગરીમાં ‘જોલી એલએલબી 2’ (અક્ષય કુમાર), ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ (વરુણ ધવન અને આલિયા ભટ્ટ), ‘હિન્દી મિડિયમ’ (ઈરફાન ખાન અને સબા કમર), ‘મોમ’ (શ્રીદેવી) ફિલ્મોએ પણ દર્શકોની પસંદગી પામી હતી.

સ્વચ્છતાના મુદ્દાને ચમકાવતી ‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’એ બોક્સ ઓફિસ પર સૌથી વધારે સફળતા મેળવી હતી.

એવી જ રીતે, ‘બરેલી કી બરફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘ન્યૂટન’નો દેખાવ પણ બોક્સ ઓફિસ પર સારો રહ્યો હતો.

૨૦૧૭નું વર્ષ સિક્વલ્સનું બની રહ્યું. આ વર્ષમાં ‘બાહુબલીઃ ધ કન્ક્લ્યુઝન’, ‘જોલી એલએલબી 2’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘ગોલમાલ અગેઈન’, ‘ફુકરે રિટર્ન્સ’ જેવી ફિલ્મો આવી.

વર્ષના અંતે સલમાન ખાન-કેટરીના કૈફ અભિનીત ‘ટાઈગર ઝિંદા હૈ’ આવી જે પણ ‘એક થા ટાઈગર’ની સિક્વલ છે. આ ફિલ્મે સૌથી વધારે કમાણી કરી છે અને માત્ર ચોથા જ દિવસે એની કમાણીનો આંક રૂપિયા દોઢસો કરોડ સુધી પહોંચી ગયો હતો.

‘સરકાર’ સિરીઝની ત્રીજી ફિલ્મ દર્શકોને પસંદ ન આવી, તો ‘નામ શબાના’ ફિલ્મે પણ નિરાશ કર્યા.

અન્ડરવર્લ્ડના ડોનમાંથી નેતા બનેલાઓની બે ફિલ્મ આ વર્ષમાં આવી ગઈ – ‘ડેડી’ (અરૂણ ગવળી) અને ‘હસીના પારકર’ (દાઉદ ઈબ્રાહીમની બહેન), પરંતુ આ બંને ફિલ્મ નિષ્ફળ ગઈ.

દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકર વિશેની ડોક્યૂડ્રામા-બાયોગ્રાફિકલ ફિલ્મ અપવાદ બની અને મહદ્દઅંશે સફળ રહી.

‘ગાઝી એટેક’, ‘ઈંદુ સરકાર’, ‘પાર્ટિશનઃ ૧૯૪૭’, ‘લખનઉ સેન્ટ્રલ’ જેવી ફિલ્મોએ પણ ખાસ પ્રભાવિત ન કર્યા.

ફ્લોપ ગયેલી ફિલ્મોની યાદી લાંબી છે, જેમ કે, ‘રંગૂન’, ‘ફિલ્લૌરી’, ‘માત્ર’, ‘બેગમ જાન’, ‘નૂર’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘રાબતા’, ‘એ જેન્ટલમેન’, ‘બાબુમોશાય બંદૂકબાઝ’, ‘પોસ્ટર બોયઝ’ વગેરે.

એવી જ રીતે ‘જગ્ગા જાસૂસ’, ‘જબ હેરી મેટ સેજલ’, સંજય દત્તની કમબેક ફિલ્મ ‘ભૂમિ’, ‘સિમરન’ અને ‘શેફ’ ફિલ્મો પણ દર્શકોને બહુ રાજી કરી ન શકી.

સગીર વયની ઝાયરા વસીમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી અને આમિર ખાન નિર્મિત ‘સીક્રેટ સુપરસ્ટાર’ તેમજ વિદ્યા બાલનને ગૃહિણી-કમ-રેડિયો જોકીની ભૂમિકામાં ચમકાવતી ‘તુમ્હારી સુલુ’ ફિલ્મો તાજી વાર્તા હોવાને કારણે દર્શકોનાં પૈસા વસુલ કરી ગઈ.