મુંબઈ – પાકિસ્તાન તરફી અને તુર્કીસ્થિત એક હેકર ગ્રુપે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટને હેક કર્યો છે અને એમાં ઘણા મેસેજિસ ટ્વીટ કર્યા છે. એમાં ભારત-વિરોધી પોસ્ટનો પણ સમાવેશ થાય છે.
હેકર્સે ટ્વીટ કરીને ચેતવણી પણ આપી છે. આ કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
અમિતાભનો ટ્વિટર એકાઉન્ટ પ્રો-પાકિસ્તાન ટર્કિશ હેકર ગ્રુપ Ayyildiz Tim દ્વારા હેક કરાયો છે. હેકરોએ અમિતાભના બાયોને પણ બદલી નાખી છે અને એમાં ‘લવ પાકિસ્તાન’ લખેલું નજરે ચડ્યું હતું.
એટલું જ નહીં, બિગ બીના ટ્વિટર એકાઉન્ટ મારફત તૂર્કી અને પાકિસ્તાન સાથે સંકળાયેલા મેસેજ પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.
હેકરોએ અમિતાભનું એકાઉન્ટ હેક કરીને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની તસવીર મૂકી દીધી હતી.
જોકે હવે અમિતાભનો એકાઉન્ટ રિકવર કરી દેવામાં આવ્યો છે. હેકરોએ પોસ્ટ કરેલા તમામ ટ્વીટ્સને એમના એકાઉન્ટ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
તે છતાં મુંબઈ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે. સાઈબર સેલના અધિકારીઓ એ શોધી રહ્યા છે કે અમિતાભના ટ્વિટર એકાઉન્ટને કોણે અને ક્યાંથી હેક કરવામાં આવ્યો હતો.
અમિતાભનો ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા બાદ હેકરોએ લખ્યું હતું કે, સમગ્ર દુનિયા માટે આ એક જરૂરી સંદેશ છે કે અમે ટર્કિશ ફૂટબોલ સામે આઈસલેન્ડ રિપબ્લિકના વલણનો વિરોધ કરીએ છીએ. અમે પ્રેમથી વાત કરીએ છીએ, પણ અમારી પાસે મોટી લાકડી પણ છે. અમે એ પણ જણાવી દઈએ છીએ કે એક મોટો સાઈબર એટેક થવાનો છે.
હેકરોએ અમિતાભ બચ્ચનની બાયોને પણ બદલી નાખી હતી અને લખ્યું હતું – એક્ટર, પાકિસ્તાનને પ્યાર.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અમિતાભના પુત્ર અભિષેક બચ્ચનનો ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યો હતો. એ કૃત્ય પાકિસ્તાન સમર્થક તુર્કીની સાઈબર આર્મી ‘અઈલ્દિજ ટીમ’ દ્વારા હેક કરાયો હતો.