‘પાનીપત’માં સંજય દત્ત સાથે ઝીનત અમાન, પદ્મિની કોલ્હાપુરે ચમકશે

મુંબઈ – ‘લગાન’, ‘સ્વદેસ’, ‘જોધા અકબર’ ફિલ્મો બનાવનાર આશુતોષ ગોવારીકરે હવે બનાવી છે પાનીપતના ઐતિહાસિક યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘પાનીપત’. આ ફિલ્મના ટ્રેલરનો પ્રીવ્યૂ શો એમણે આજે સવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ યોજ્યો હતો.

‘પાનીપત’ ફિલ્મ આ વર્ષની 6 ડિસેંબરે રિલીઝ થશે.

ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સેનન મુખ્ય ભૂમિકાઓમાં છે તો પદ્મિની કોલ્હાપુરે, મોહનીશ બહલ અને ઝીનત અમાન વિશેષ ભૂમિકામાં જોવા મળશે. 67 વર્ષીય ઝીનત અમાને 50 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 80થી વધારે ફિલ્મો કરી છે. છેલ્લે તે 2017માં ‘સલ્લુ કી શાદી’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મ પાનીપતના ત્રીજા લડાઈ અને તેને સંબંધિત પ્રસંગો પર આધારિત છે. પાનીપતનું તે ભીષણ યુદ્ધ 1761ની 14 જાન્યુઆરીએ થયું હતું, જે મરાઠા યોદ્ધા સદાશિવ રાવ ભાઉ અને અફઘાનિસ્તાનના શાસક અહમદ શાહ અબદાલીના સૈન્યો વચ્ચે ખેલાયું હતું. સદાશિવ રાવ ભાઉ બન્યો છે અર્જુન કપૂર અને અબદાલી બન્યો છે સંજય દત્ત.

કૃતિ સેનન બની છે પાર્વતી બાઈ, પદ્મિની કોલ્હાપુરે બની છે ગોપીકા બાઈ તો ઝીનત અમાન બની છે શકીના બેગમ.

આશુતોષ ગોવારીકરના પત્ની સુનીતાની કંપની એજીપીપીએલ અને વિઝન વર્લ્ડ કંપનીએ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

આ ફિલ્મમાં મરાઠાઓનાં મહાન પરાક્રમ જોવા મળશે. એમાં એક લાખ જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ ફિલ્મ એક ઐતિહાસિક મહત્ત્વની મહાગાથા છે.

ગોવારીકરે આ ફિલ્મનું શૂટિંગ 2018ના નવેંબરમાં શરૂ કરાવ્યું હતું.

ફિલ્મના ટ્રેલર પ્રિવ્યૂ વખતે તમામ કલાકારો અને ગોવારીકર દંપતી ઉપસ્થિત રહ્યા હતા. (જુઓ ફોટોગેલરી)

























આશુતોષ ગોવારીકર સાથે ઝીનત અમાન