અમિતાભે પાનમસાલા કંપનીને કાનૂની નોટિસ મોકલી

મુંબઈઃ પોતે કોન્ટ્રાક્ટ ક્યારનો રદ કરી દીધો હોવા છતાં પોતાને દર્શાવતી પાન મસાલાની જાહેરખબરોને હજી પણ ટેલિવિઝન પર ચાલુ રાખવા બદલ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પાન મસાલા કંપનીને લીગલ નોટિસ મોકલી છે. અમિતાભે ગયા ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે કમલા પસંદ પાન મસાલાના પ્રચારમાંથી પોતે છૂટા થઈ ગયા છે. પાન મસાલા યુવા લોકોને તમાકુનું વ્યસન લગાડતા હોવાથી એની બ્રાન્ડનો પ્રચાર કરવાનું બંધ કરવાની એક રાષ્ટ્રીય તમાકુ-વિરોધી સંસ્થાએ પોતાને કરેલી વિનંતીને પગલે અમિતાભે ગઈ 11 ઓક્ટોબરે પોતાના 79મા જન્મદિવસે કમલા પસંદ બ્રાન્ડ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને પ્રચાર માટે કંપની તરફથી આપવામાં આવેલા નાણાં પણ એને પાછા આપી દીધા હતા.

આમ છતાં અમિતાભને દર્શાવતી કમલા પસંદની જાહેરખબરો હજી પણ ટીવી ચેનલો પર ચાલુ હોવાથી અમિતાભે તે કંપનીને નોટિસ મોકલી છે અને આ જાહેરખબરો તત્કાળ બંધ કરવા કહ્યું છે.