ગાંધીનગરમાં શરૂ કરાઈ અનોખી ‘સાડી લાઇબ્રેરી’

ગાંધીનગરઃ પાટનગરના કોબા ગામમાં સાડીની લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી છે. સ્વ.રાકેશભાઈ ભીખાભાઈ નાયીના સ્મરણાર્થે ખુલ્લી મુકવામાં આવેલી વિવિધ પ્રકારની સાડીઓની આ લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત  રહી હતી.

મનુષ્ય સ્વભાવ પ્રમાણે પોતાની પાસે અઢળક વસ્તુઓ હોય, સાધન સંપન્ન હોય, મોંઘી ચીજવસ્તુઓ વાપરતા હોય પણ બીજાની પાસે રહેલી વસ્તુ કે વસ્ત્રો ગમી જાય એ ધ્યાન ત્યાં જ ચોંટી જાય. એમાંય મહિલાઓને એકબીજાંએ કેવી સાડી પહેરી છે એ ખાસ જુએ. દરેક લોકો માલેતુજાર નથી હોતા. પરંતુ શુભ પ્રસંગો પાર પાડવા સારી સાડીઓની જરૂર પડે. જુદા જુદા પ્રસંગોમાં મહિલાઓ સારી સાડીઓ પહેરી શકે એ હેતુથી કોબા ગામમાં સાડીઓની લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

કોબા ગામના કાઉન્સિલર તેજલબેન નાયી ચિત્રલેખા.કોમને કહે છે, મોટાભાગની બહેનોનો એક સ્વભાવ હોય છે, પ્રસંગોમાં જુદા જુદા વસ્ત્રો અને ઘરેણાં પહેરવાં. દરેકને મોંઘી સાડીઓ ખરીદવી પરવડે નહીં. કારણ ગામમાં દરેક લોકો વસવાટ કરતા હોય. કેટલાક સગાસંબંધી પાસે માંગી પણ ન શકે. એટલે સૌનું સમ્માન જળવાય અને ગામના લોકો પ્રસંગોપાત લાભ લઇ શકે એ હેતુથી સાડીઓની લાઇબ્રેરી શરૂ કરી છે.

રાયસણના કાઉન્સિલર મીરાબેન પટેલ કહે છે, આ જુદી જુદી ડિઝાઈનની વિવિધ સાડીઓ લાઇબ્રેરીમાં મુકવામાં આવી છે. જેમ જેમ જરૂરિયાત જણાશે એમ આ લાઇબ્રેરીમાં સાડીઓની વિવિધતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

ગામના અગ્રણી તેજલબેન કહે છે, જે બહેનો આધાર કાર્ડનો પુરાવો બતાવશે એમને તરત જ એમની મનગમતી સાડી આપવામાં આવશે. પ્રસંગ પત્યા પછી એમણે સાડી લાઇબ્રેરીમાં જમા કરાવવાની રહેશે.

પ્રસંગોમાં આ રીતે મોંઘાં વસ્ત્રો વિનામુલ્યે મળવાની સગવડ થઇ જાય તો ઘણાં જરૂરિયાતમંદ લોકોનો આર્થિક ભાર ઓછો થઇ જાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)