‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી? ફેક ન્યૂઝ

મુંબઈઃ પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ’ માટેની ફીમાં રૂ. 30 કરોડ જેટલો ઘટાડો કર્યો હોવાના અમુક અખબારી અહેવાલોને ખોટા ગણાવીને બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે રદિયો આપ્યો છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અક્ષયે આ સમાચાર પ્રકાશિત કરનાર વેબસાઈટને ટેગ કરીને લખ્યું છે કે આ ફેક ન્યૂઝ છે. આવો જ રદિયો ફિલ્મના નિર્માતા વાસુ ભગનાનીએ પણ આપ્યો છે. અહેવાલમાં એવું જણાવાયું છે કે અક્ષયે આમ તો આ ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 117 કરોડની ફી લીધી હતી, પણ ભગનાનીએ કરેલી વિનંતીને માન આપીને એણે રૂ.30 કરોડ ઓછા કરી નાખ્યા છે.

80ના દાયકાના સમયને ધ્યાનમાં બનાવાયેલી સ્પાઈ થ્રિલર ‘બેલબોટમ’માં અક્ષયની સાથે અન્ય કલાકારો છે – વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી. ફિલ્મના દિગ્દર્શક છે રણજીત તિવારી. અક્ષય RAW સંસ્થાનો જાસૂસ બન્યો છે તો વાણી એની પત્ની. લારા બની છે ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી. 80ના દાયકામાં જ્યારે ઈન્દિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં એ વખતે વિમાન અપહરણની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો હતો. કોરોનાવાઈરસ બીમારીને કારણે ‘બેલબોટમ’ની રિલીઝ અટવાઈ છે. નવી તારીખ જાહેર થવાની હજી બાકી છે.