SIFFના ભાગરૂપે સુરતમાં ‘ફેસ ટુ ફેસ વિથ રજીત કપૂર’નું થયું આયોજન

ધ સધર્ન ગુજરાત ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના નેજા હેઠળ ગુજરાતમાં પહેલી વખત 14 થી 16 ડિસેમ્બર દરમિયાન સુરતમાં સુરત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (SIFF)નું આયોજન થશે

સુરત – ભારત અને વિશ્વની બેસ્ટ ફિલ્મ, ફિલ્મ મેકર્સ અને કલાકારોને એક મંચ ઉપર લાવવા માટે આ વર્ષની 14થી 16 ડિસેમ્બર દરમિયાન સુરતમાં યોજાઇ રહેલાં સુરત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એસઆઇએફએફ)ના ભાગરૂપે 21મી જુલાઈ શનિવારના રોજ અત્રે સમૃદ્ધિ બિલ્ડિંગ ખાતે સવારે 10થી 1વાગ્યા દરમિયાન ‘ફેસ ટુ ફેસ વિથ રજીત કપૂર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા રજીત કપૂરે 16 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓને કલાકાર તરીકે કારકિર્દી, કલાકાર માટે ફોકસની આવશ્યકતા અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં 25 જણે ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે 4 વાગે સાયન્સ સેન્ટર ખાતે લાઈવ ચેટમાં એમણે પોતાની 33 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાનની સિદ્ધિઓ, પડકારો વગેરે ઉપર પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સિનેમેટીક એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ કમિટીના નેજા હેઠળ ડિસેમ્બરમાં યોજાનારા એસઆઇએફએફમાં હિન્દી, ગુજરાતીની સાથે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મો, આંતરરાષ્ટ્રીય ફિલ્મો, બાળ ફિલ્મો, મહિલા કેન્દ્રિત અને સામાજિક મુદ્દાઓ ઉપર આધારિત ફિલ્મો દર્શાવવામાં આવશે.

ફિલ્મોના સ્ક્રીનિંગ ઉપરાંત એસઆઇએફએફ ચર્ચા, નેટવર્કિંગ, ફિલ્મ ઈવેન્ટ્સ માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડશે તથા ફિલ્મ મેકિંગના વિવિધ વિષયો ઉપર વર્કશોપ પણ યોજાશે.

ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ દ્વારા ઉભરતા કલાકારોને પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે એસઆઇએફએફ પ્રતિબદ્ધ છે. આ ફેસ્ટિવલના ભાગરૂપે ફિલ્મમેકર્સને પ્રોત્સાહન આપવા માટે શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટ અને સ્ક્રિપ્ટરાઈટિંગ કોન્ટેસ્ટ પણ યોજાશે.

‘ચિત્રલેખા’ આ કાર્યક્રમોનું ‘મેગેઝિન પાર્ટનર’ છે.