મુંબઈઃ આમિર ખાન તેના દ્વારા અભિનીત અને નિર્મિત બહુપ્રતિક્ષિત હિન્દી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ને રિલીઝ કરવા સજ્જ થઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેટ પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હોવાથી આ અભિનેતા અપસેટ થઈ ગયો છે. ઈન્ટરનેટ યૂઝર્સે આમિરને હિન્દુ-વિરોધી અને રાષ્ટ્ર-વિરોધી કહીને ટ્વિટર પર #BoycottLaalSinghChaddha હેશટેગ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. એમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેમણે આમિર ખાનની આ ફિલ્મ જોવી નહીં. આમિરે બે વર્ષ પહેલાં ભારતમાં અસહિષ્ણુતા વધી રહી હોવાના કરેલા નિવેદન કારણે તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરાઈ છે.આમિરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બહિષ્કાર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે પોતાની ફિલ્મો સામેની આવી ઝુંબેશથી તે અસ્વસ્થ થઈ જાય છે. પોતાની ફિલ્મનો બહિષ્કાર ન કરવાની એણે દરેકને અપીલ કરી છે. એણે કહ્યું કે, ‘કેટલાક લોકો એવું માને છે કે મને ભારત દેશ ગમતો નથી, પરંતુ એ ખોટું છે. મહેરબાની કરીને મારી ફિલ્મનો બહિષ્કાર કરતા નહીં અને તે જોજો.’
‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર-ખાન, મોના સિંહ અને ચૈતન્ય અક્કીનેની જેવા અન્ય કલાકારો પણ છે. આ ફિલ્મ હોલીવૂડની 1994માં આવેલી અને ઓસ્કર એવોર્ડ જીતનાર ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે.