છૂટાછેડાની જાહેરાત બાદ આમિર, કિરણ સાથે ઉપસ્થિત થયાં

મુંબઈઃ છૂટાછેડા લેવાના નિર્ણયની ગઈ કાલે જાહેરાત કર્યા બાદ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન એની નિર્માત્રી-નિર્દેશિકા પત્ની કિરણ રાવ એક વિડિયો સંદેશ આપવા માટે સાથે હાજર થયાં હતાં અને એમનાં પ્રશંસકોને ખાતરી આપી કે બંને જણ ઘણા જ ખુશ છે અને તેઓ કાયમ પરિવારની જેમ જ રહેશે.

આમિર-કિરણનો વિડિયો એક ઓનલાઈન શો વખતનો છે. એમાં બંને ભૂતપૂર્વ પતિ-પત્ની સાથે બેસીને એમનાં શુભચિંતકોને સંબોધિત કરે છે. બંને જણ હાસ્ય વેરતાં હતાં અને એકબીજાનો હાથ પકડીને બેઠાં હતાં. આમિરે કહ્યું કે, તમને લોકોને અમારા છૂટાછેડાના નિર્ણયથી દુઃખ થયું હશે, આઘાત લાગ્યો હશે. અમે બસ તમને એટલું જ જણાવવા માગીએ છીએ કે અમે બેઉ જણ બહુ જ ખુશ છીએ અને એક જ પરિવાર છીએ. અમારા સંબંધમાં પરિવર્તન આવ્યું છે, પણ અમે બેઉ એકબીજાની સાથે જ છીએ. તેથી તમે લોકો એવું સમજતા નહીં કે અમારો સંબંધ બદલાઈ ગયો છે. અમે બેઉ હજી સાથે જ છીએ, તેથી બીજું કંઈ વિચારતા નહીં.

આ વિડિયો આમિર-કિરણે એમણે રચેલી એનજીઓ પાની ફાઉન્ડેશનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાનનો છે, જે એક મિડિયાકર્મીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આમિર-કિરણે ગઈ કાલે જાહેરાત કરી હતી કે 15 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેવાનો તેમણે નિર્ણય લીધો છે. તેઓ સહ-માતાપિતા અને એકબીજા માટેના પરિવાર તરીકે એક નવું પ્રકરણ શરૂ કરવા તૈયાર થયા છે.

Aamir Khan, Kiran Rao video message

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]