મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને એની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ જતાં દર્શકોની માફી માગી છે.
આમિર ઉપરાંત અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ, ફાતિમા સના શેખ અભિનીત આ ફિલ્મ ગઈ દિવાળીમાં રિલીઝ થઈ હતી. એણે પહેલા દિવસે રૂ. 50 કરોડનો વકરો કર્યો હતો, પણ ત્યારબાદ તરત જ એ ઠંડી પડી ગઈ હતી. સમીક્ષકો અને દર્શકોએ ફિલ્મની આકરી ટીકા કરી હતી.
એક કાર્યક્રમમાં આમિરે કહ્યું કે, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની નિષ્ફળતા માટે હું સંપૂર્ણ જવાબદારી લઉં છું અને થિયેટરમાં જઈને મારી ફિલ્મ જોવા ગયેલા દર્શકોની હું માફી માગું છું. હવે પછી અમે વધારે મહેનત કરીને સારી ફિલ્મ બનાવીશું.’
દરમિયાન, આમિરે અવકાશ વિષય પર આધારિત નવી ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’માં માટે પસંદ કરાયેલા સાથી અભિનેતા શાહરૂખ ખાનને શુભેચ્છા આપી છે. આ ફિલ્મની પટકથા અંજુમ રાજાબલીએ લખી છે.
આ ફિલ્મ માટે પહેલા આમિર ખાનને પસંદ કરવામાં આવ્યો હતો, પણ હવે શાહરૂખ એનો હિરો છે.
આ ફિલ્મ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માના જીવન પર આધારિત હશે.
અગાઉ, અંજુમ રાજાબલીએ લખેલી પટકથાવાળી ‘ગુલામ’ ફિલ્મમાં આમિર ખાન હિરો હતો.
‘સારે જહાં સે અચ્છા’ની પટકથા પણ રાજાબલીએ લખી છે. આમિરે આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કર્યા બાદ એની જગ્યાએ શાહરૂખને પસંદ કરવામાં આવ્યો છે.
આમિરે કહ્યું છે કે, ‘ફિલ્મની પટકથા બહુ જ સરસ છે. હું રાકેશ શર્માનો ચાહક છું. મને દુઃખ છે કે હું આ ફિલ્મ કરી શક્યો નથી. એટલે જ મેં શાહરૂખને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફિલ્મની વાર્તા બહુ સરસ છે અને તારે એકવાર એ સાંભળવી જોઈએ. હવે મને એ જાણીને બહુ જ ખુશી થઈ છે કે શાહરૂખને પટકથા પસંદ પડી છે અને તે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે મારી શુભેચ્છા છે.’
રાજાબલીએ કહ્યું છે કે, ‘મારી આ ફિલ્મમાં આમિર ભૂમિકા ભજવે એ માટે હું બહુ આતુર હતો. એને સ્ક્રિપ્ટ ગમી હતી અને અમે એ વિશે ઘણી ચર્ચા પણ કરી હતી અને અમને પ્રોજેક્ટ વિશે ઘણી આશા હતી. કમનસીબે આમિરે વધારે મોટો પ્રોજેક્ટ ‘મહાભારત’ બનાવવાનું નક્કી કર્યું.’
અવકાશના વિષય પર આધારિત એક વધુ ફિલ્મ પણ આવી રહી છે ‘મિશન મંગલ’. ભારતના મંગળયાન મિશન પર આધારિત અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મનો હિરો હશે અક્ષય કુમાર.
‘સારે જહાં સે અચ્છા’નું દિગ્દર્શન મહેશ મથાઈ કરશે, રોની સ્ક્રૂવાલા એના નિર્માતા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રોય કપૂર પણ અન્ય ભૂમિકા કરશે.
કહેવાય છે કે શાહરૂખની સાથે ભૂમિ પેડણેકરને ચમકાવવામાં આવશે. કલાકારોની પસંદગી વિશેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે એમ સ્ક્રૂવાલાએ કહ્યું છે.