મુંબઈઃ મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હિરો’ને 2024ના એકેડેમી (ઓસ્કર) એવોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, પરંતુ તે હવે ઓસ્કર રેસમાંથી બહાર થઈ ગઈ છે.
જૂડ એન્થાની જોસેફ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઉક્ત કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોની યાદીમાં સ્થાન પામી શકી નથી. આ યાદીની એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરીનો એવોર્ડ જીતવા માટે બ્રિટન, ડેન્માર્ક અને જાપાનની ફિલ્મો મુખ્ય દાવેદાર છે. અન્ય ફિલ્મો આ દેશોની છેઃ આર્મેનિયા, ભૂટાન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઈસલેન્ડ, ઈટાલી, મેક્સિકો, મોરોક્કો, સ્પેન, ટ્યૂનિશિયા અને યૂક્રેન. આ કેટેગરી માટે ભારત સહિત 88 દેશોની ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. એમાંથી 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે આ 15 ફિલ્મોને વોટિંગના રાઉન્ડમાં મૂકવામાં આવશે.