તેલંગાણાના પૂર્વ CM KCR સામે ચૂંટણી પંચની કાર્યવાહી

ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. જેમાં કેસીઆરને લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કેસીઆરે કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ આરોપોની તપાસ કરી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. પંચે 16 એપ્રિલે KCRને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

જો કે, કેસીઆરે આ આરોપોને ફગાવી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે તેમના તેલુગુ ભાષણના અંગ્રેજી અનુવાદને વિકૃત કર્યો છે. BRS વડાએ નોટિસના જવાબમાં ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેલંગાણા અને સરસિલ્લામાં ચૂંટણીના પ્રભારી અધિકારીઓ તેલુગુ લોકો નથી અને તેઓ ભાગ્યે જ તેલુગુની સ્થાનિક બોલી સમજે છે. તેમની પ્રેસ કોન્ફરન્સમાંથી કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે વાક્યોનો અંગ્રેજી અનુવાદ સાચો નથી અને વિકૃત કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે, દસ્તાવેજો અને ભાષણ ટ્રાન્સક્રિપ્ટ્સનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું કે કેસીઆરએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને બુધવારે તેમને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.