EDએ અભિનેતા સોનુ સૂદને મોકલ્યુ સમન્સ, જાણો સમગ્ર મામલો

બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મોમાં શાનદાર અભિનય અને વાસ્તવિક જીવનમાં ગરીબોના મસીહા તરીકે જાણીતા સોનુ આ વખતે એક ગંભીર બાબતને કારણે ચર્ચામાં આવ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી, ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને યુવરાજ સિંહ પછી, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન અંગે સોનુ સૂદ ED ની તપાસ હેઠળ આવ્યા છે.

EDએ સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત તેના મુખ્યાલયમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. એજન્સીનું માનવું છે કે તેનો એક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે પ્રમોશનલ સંબંધ હતો જે ભારતમાં પ્રતિબંધિત છે. આ એપ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે સેલિબ્રિટી અને ખેલાડીઓના બ્રાન્ડિંગથી આ એપને કેટલી હદ સુધી ફાયદો થયો અને શું તેનાથી સંબંધિત ચુકવણી નિયમોનું ઉલ્લંઘન થયું છે.