છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનાં ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

ED સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ દરમિયાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યનું નામ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ખેતરના વચ્ચે પણ ઘણી તેમની તસીવરો સામે આવી છે. જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયાં હતાં. તેમની પત્ની ખ્યાતિ પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

ED આ મામલે પહેલાથી જ ઘણી મોટી કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉ, મે 2024માં તપાસ એજન્સીએ ભૂતપૂર્વ IAS અનિલ તુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની 205.49 કરોડ રૂપિયાની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.