પંચમહાલ: સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડ્યા બાદ હવે ભાજપે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પાડ્યો છે. પંચમહાલ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે. મળતી માહિતી અનુસાર, પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ પત્ની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ પહેરવાના છે.બે દિવસ પહેલાં લોકસભાની ચૂંટણી ટાળે જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 70 જેટલાં કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો શનિવારે કેસરિયા કરશે તેવી માહિતી સામે આવી છે. આગામી લોકસભાની ચૂંટણીપ્રચાર અર્થે ભાજપના સ્ટારપ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચારાર્થે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.