વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જેલ મોકલવાની તૈયારીમાં છે? ટ્રંપે દાવો કર્યો છે કે ડેમોક્રેટ સરકારે 2016ના અમેરિકી ચૂંટણી દરમિયાન લોકો સાથે જાણજોઈને છેતરપિંડી કરવામાં આવી હતી. ટ્રંપના કહેવા મુજબ ઓબામા સરકારે તેમની વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું હતું અને આખી ચૂંટણીનો કબજો કરવાની કોશિશ કરી હતી.
ટ્રંપે દાવો કર્યો છે કે અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડની ટીમે ઓબામાને રંગે હાથ પકડ્યા હતા. ઓબામા અને તેમની સુરક્ષા કેબિનેટે દેશદ્રોહી ષડયંત્ર રચ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની સરકારનું પતન કરાવવાનો હતો. ટ્રંપ વારંવાર આ વાત દહોરાવતા રહે છે કે ઓબામાનો અપરાધ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેમને જેલમાં નાખવામાં આવવા જોઈએ.
તુલસી ગબાર્ડે બુધવારે નવા દસ્તાવેજો જાહેર કરીને ઓબામા પર 2016ની ચૂંટણીમાં અમેરિકી ગુપ્તચર માહિતીનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ગબાર્ડે દાવો કર્યો છે કે ઓબામાએ આ ખોટી વાતને આગળ ધપાવી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમની સરકારે ટ્રંપને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી.
તુલસી ગબાર્ડે તાજેતરમાં કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા છે, જેમાં તેમનો દાવો છે કે ઓબામા સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જાણજોઈને રશિયાના હસ્તક્ષેપના આરોપોને વધારીને રજૂ કર્યા હતા જેથી ટ્રંપની ચૂંટણીની કાયદેસરતા પર પ્રશ્ન ઊભો થાય. તેમનું કહેવું છે કે આ એક વર્ષો લાંબું ષડયંત્ર હતું, જેનો ઉદ્દેશ ટ્રંપને સત્તામાંથી હટાવવાનો હતો.
ગબાર્ડે દાવો કર્યો કે 2016માં ઓબામા સરકારના ટોચના અધિકારીઓએ દેશ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું, જેનાથી જનતા ઈચ્છાને રુંદીને તખતાપલટનો આધાર તૈયાર થાય. તેમણે ગુપ્ત દસ્તાવેજોને જાહેર કર્યા અને દાવો કર્યો કે આ માહિતીથી સાબિત થાય છે કે ઓબામા વહીવટના ટોચના અધિકારીઓએ ટ્રંપને નબળા પાડવા માટે દેશદ્રોહી ષડયંત્ર રચ્યું હતું.
ટ્રંપે કહ્યું હતું કે આ સ્પષ્ટ છે કે ઓબામા દોષી છે. આ દેશદ્રોહ હતો. તેમણે ચૂંટણીને બગાડવાની કોશિશ કરી. તેમણે એવાં કામ કર્યા જેમની કોઈએ કલ્પના પણ ન કરી હોય, અહીં સુધી કે બીજા દેશોમાં પણ નહિ.
