ધનતેરસે કાર વેચાણનો તૂટ્યો રેકોર્ડઃ મારુતિ-સુઝુકીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હીઃ ધનતેરસ 2025એ ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. માત્ર 24 કલાકમાં દેશભરમાં એક લાખથી વધુ કારોની ડિલિવરી થઈ, જેમાં સૌથી મોટો હિસ્સો મારુતિ સુઝુકીનો રહ્યો છે. કંપનીએ 51,000થી વધુ વાહનોની ડિલિવરી કરી છે. શનિવારે આશરે 41,000 અને રવિવારે આશરે 10,000 યુનિટ્સની ડિલિવરી થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ આશરે 14,000 કારોની ડિલિવરી કરી, જે ગયા વર્ષની સરખામણીએ 20 ટકાનો વધારો દર્શાવે છે.

GST 2.0નો જાદુ

ઓટો ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ આ જબરદસ્ત ઉછાળો તાજેતરમાં લાગુ થયેલા GST 2.0 સુધારાઓને આપ્યો છે, જે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા. આ સુધારાઓ હેઠળ ઓટોમોબાઇલ અને ગ્રાહક ચીજવસ્તુઓ પરના કરના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેને કારણે બજારમાં ખરીદદારોનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો.

બે દિવસ સુધી શુભ મુહૂર્ત

આ વર્ષે ધનતેરસનો શુભ સમય બે દિવસ – 18 અને 19 ઓક્ટોબર સુધી રહ્યો. શનિવારે બપોરે 12:18થી રવિવારે બપોરે 1:51 સુધી ખરીદીનું શુભ મુહૂર્ત હતું. જોકે શનિવારે કેટલાક ગ્રાહકો ખરીદી અંગે થોડો સંકોચ બતાવતા હતા, મારુતિ સુઝુકીએ છતાં ઇતિહાસ રચી નાખ્યો. કંપનીએ શનિવાર સાંજ સુધીમાં 38,500 ડિલિવરી પૂરી કરી હતી અને રાત્રે સુધી આ આંકડો 41,000 યુનિટ્સ સુધી પહોંચી ગયો, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 10,000 યુનિટ્સ વધુ હતો.

બુકિંગ અને માગમાં ઉછાળો

મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 4.5 લાખ બુકિંગ્સ નોંધાયાં છે, જેમાંથી આશરે એક લાખ બુકિંગ્સ નાની કારોનાં છે. સરેરાશ દરરોજ 14,000 બુકિંગ્સ મળી રહ્યાં હતાં અને આ સમયગાળામાં કંપનીના કુલ રિટેલ વેચાણ 3.25 લાખ યુનિટ્સ સુધી પહોંચ્યાં હતાં.

કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાંક મોડલ્સ માટે માગ પુરવઠાથી વધુ રહી, જેને કારણે કેટલીક કારોની ડિલિવરીમાં વિલંબ પણ થયો. વધતી માગને પહોંચી વળવા માટે પ્રોડક્શન ટીમે રજાના દિવસોમાં પણ કામ કર્યું હતું, જેથી ધનતેરસની ભારે માગને પૂરી કરી શકાઈ છે.