અમેરિકા: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં-ત્યાં અત્યારે ભક્તિમય માહોલ છવાયેલો છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા નોરવોક શહેરમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર અને નલિનીબેન રાજગોર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવ શંકરની રુદ્રી કરવામાં આવી.
સોમવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ પૂજા ચાલી. ત્યારબાદ આરતીને મહાપ્રસાદમાં લગભગ 200થી 300 ભક્તો હાજર રહી સેવાનો લાભ લીધો. રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ માસના દર સોમવારે જુદી-જુદી વસ્તુઓ દ્વારા શિવ રુદ્રી કરવામાં આવે છે.
જેમ પ્રથમ સોમવારે દૂધ-ચોખા, બીજા સોમવારે જવ-પંચામૃત, ત્રીજા સોમવારે કેસર જળ-મગ, ચોથા સોમવારે ફળ-ડોલર, પેની-1 પૈસા, નિકલ-પાંચ પૈસા, ડાઇમ-દશ પૈસા, ક્વાર્ટર-પચીસ પૈસા અને ડોલર પણ કોઇનસ (1 ડોલરના સિક્કાનો) અભિષેક કરવામાં આવશે.
આ રાધા કૃષ્ણ મંદિર કેલિફોર્નિયાનાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના 1978મા થઇ હતી. આ મંદિરમાં બઘા જ ઉત્સવો જે તે તિથિના દિવસે જ ઉજવવામાં આવે છે.

મંદિરના ટ્રસ્ટી ગણ પ્રવીણભાઈ પટેલ, વિરેશભાઇ દેસાઈ, કિરણભાઇ ચોક્સી, કેતનભાઇ ચોક્સી, દિપકભાઇ ઝવેરી, રશ્મિ દેસાઇ, અનિલ દેસાઇ, હર્ષદભાઇ, પંકજભાઈ અને પારૂલબેન સંપટ સાથે અન્ય પરમ ભક્તોના સાથ-સહકારથી બધાં ઉત્સવો અહીં ધામધૂમથી ઉજવાય છે.
હાલ આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. જો કે આગામી 18 થી 22મી ફેબ્રુઆરી, 2026ના રોજ આ મંદિરમાં રાધાકૃષ્ણ સહિત ગણપતિજી, હનુમાનજી, શિવજી, દત્તાત્રેય ભગવાન, માતાજી, શ્રીનાથજી, જલારામ બાપા અને ખોડીયાર માતાજી સર્વેની પધરામણી કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે.


