દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી વીડિયોના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું.મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને 1 મેના રોજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે નકલી વીડિયો શેર કરનારા કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત પાંચ અન્ય લોકોને પણ દિલ્હી પોલીસ બોલાવશે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય અને ભાજપની ફરિયાદ બાદ એક દિવસ પહેલા જ આ મામલે કેસ નોંધ્યો હતો.
ભાજપે ફરિયાદ નોંધાવી
સ્પેશિયલ સેલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને આઈટી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક મોર્ફ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર ‘સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યા છે, જે શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવી શક્યતા છે’.
દિલ્હી પોલીસ વધુ પાંચ લોકોને નોટિસ મોકલશે
દિલ્હી પોલીસે નોટિસ મોકલીને તેલંગાણાના સીએમને તેમનો મોબાઈલ ફોન સાથે લાવવા માટે કહ્યું છે. દિલ્હી પોલીસની ટીમ હાલ હૈદરાબાદમાં હાજર છે. આ મામલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અન્ય પાંચ લોકોને નોટિસ આપવામાં આવશે. આ એ લોકો છે જેમણે ગૃહમંત્રીનો એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ લોકોની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે એડિટેડ વીડિયો કોણે બનાવ્યો અને આ લોકો સુધી કેવી રીતે પહોંચ્યો. આ પાંચેય લોકો તેલંગાણા સાથે સંકળાયેલા છે.