નવી દિલ્હી: દિલ્હીની સાકેત કોર્ટે મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં આ સજા આપવામાં આવી છે. LGએ આરોપ લગાવ્યો હતો કે, મેધા પાટકરે તેમના વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરીને તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરે પ્રતિક્રિયા આપતા કહ્યું, “સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું.”મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કર્યા હતા અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી. અગાઉ, કોર્ટે કહ્યું હતું કે સક્સેનાને દેશભક્ત નહીં પરંતુ કાયર ગણાવતા અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીનો આરોપ લગાવતું પાટકરનું નિવેદન માત્ર બદનક્ષી સમાન નથી, પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે રચાયેલ છે.’
મેઘા પાટકર અને વિનય કુમાર સક્સેના વચ્ચે આ કાનૂની લડાઈ 2000ના વર્ષથી ચાલી રહી છે. તે સમયે મેઘા પાટકરે વી. કે. સક્સેના સામે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, વિયન સક્સેનાએ મેઘા પાટકર અને તેમના નર્મદા બચાઓ આંદોલન વિરૂદ્ધ ખોટી જાહેરાત પ્રસિદ્ધ કરાવી છે. તે સમયે વિનય સક્સેના અમદાવાદ સ્થિત NGO કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટિંસનું નેતૃત્વ કરી રહ્યા હતા. બીજી તરફ વર્ષ 2001માં વિનય સક્સેનાએ પણ મેઘા પાટકર વિરૂધ્ધ બે કેસ દાખલ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે મેઘા પાટકરે ટીવી ચેનલ પર તેમના વિરૂદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે અને માનહાનિ થાય તેવાં નિવેદનો આપ્યાં છે.