ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સંપૂર્ણ રાજ્ય ચૂંટણીના રંગમાં રંગાયું છે. રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત ચૂંટણીને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જી હાં ગુજરાતમાં મતદાનના દિવસે અને પરિણામના દિવસે દીવ અને દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દારુબંધી કરવાની તારીખો તંત્ર દ્વારા જાહેર કરાઈ
દીવ અને દમણમાં દારુબંધી કરવાની તારીખો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે આ દારૂબંધી હંમેશા માટે નથી પરંતુ ખાસ તારીખોના દિવસ પૂરતી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. દીવ દમણ બંને શહેર ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ છે. જો કે ત્યાં દારૂની પરમિશન છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી હોવાથી મતદાન અને પરિણામના દિવસે દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દીવના કલેક્ટર બ્રમ્હા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી
મળતી માહિતી મુજબ દીવના કલેક્ટર બ્રમ્હા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી 29મી નવેમ્બરનની સાંજે 5 વાગ્યાથી લઈને 1 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી અને 3 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથે સાથે 8 ડિસેમ્બરે એટલે કે ચૂંટણીના પરિણામના દિવસે પણ દારુબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
