વાવાઝોડું મોન્થા વિનાશ વેરવા તૈયારઃ ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ‘મોન્થા’નો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર ઉદ્ભવેલી ચક્રવાતી સિસ્ટમ આવતા 24 કલાકમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આગામી 24 કલાકમાં એ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે અને મંગળવાર સુધી આંધ્ર પ્રદેશના કાકીનાડા પાસે દરિયાકાંઠે ટકરાય તે પહેલાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લે એવી શક્યતા છે.

24 કલાકમાં આવશે ચક્રવાતી તોફાન મોન્થા

IMDના જણાવ્યાનુસાર મોન્થા પૂર્વી કાંઠે ભારેથી અત્યંત ભારે વરસાદ, જોરદાર પવન અને દરિયામાં ઊથલપાથલ જેવી પરિસ્થિતિઓ સર્જશે આ સિસ્ટમ 26 ઓક્ટોબરે બની હતી અને 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. આ તોફાનનો પ્રભાવ આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં જોવા મળે એવી શક્યતા છે.

 આંધ્ર પ્રદેશમાં બધી સ્કૂલ બંધ

આંધ્ર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સાવચેતીરૂપે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કાકીનાડા, પૂર્વ ગોદાવરી, કોનસીમા, એલુરુ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ 27થી 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જિલ્લા પ્રશાસને લોકોમાં અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન ઘરમાં જ રહે, દરિયાકાંઠેથી દૂર રહે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સાવચેતી રાખે.

ઓડિશામાં પણ સ્કૂલ-કોલેજ બંધ

ઓડિશા સરકારે તટીય વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી છે। આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.

 તામિલનાડુમાં પણ સ્કૂલ બંધતામિલનાડુમાં આવનારા મોન્થા ચક્રવાતને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં, જેમાં ચેન્નઈ મેટ્રો વિસ્તારના કેટલાક ભાગો પણ સામેલ છે, સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને નીચાણવાળા અને તટીય વિસ્તારોની સ્કૂલ અને કેટલાક કોલેજને તાત્કાલિક રજા આપી છે.