નવી દિલ્હીઃ દિલ્હીની એક વ્યક્તિએ સાક્ષી યાદવ નામની યુવતીને ક્યારેય જોઈ પણ નહોતી, છતાં તેણે સાક્ષીના સંબંધિત એક ઓળખીતાના બેન્ક ખાતામાં રૂ. 8.15 લાખ ટ્રાન્સફર કરી દીધા. એવું કેવી રીતે થયું? સાક્ષીએ વોટ્સએપ પર પોતાની વાતો અને ચતુરાઈથી સતત વાતચીત કરીને તેનોં વિશ્વાસ જીતી લીધોં. પછી તેણે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે એક લિંક મોકલી અને તેને એક ખાસ વોટ્સ ગ્રુપ ‘eToro Analytical Team & Time is Money’માં જોડી દીધો.
જ્યારે તે વ્યક્તિએ પૂછ્યું કે આ ગ્રુપ કોણ ચલાવે છે, તો સાક્ષીએ કહ્યું કે તેનો કાકા અને એક શખસ રાકેશ છે. ગ્રુપમાં તેને મોટા નફાના ખોટા કિસ્સાઓ બતાવવામાં આવ્યા અને બતાવવામાં આવ્યું કે રોકાણ કરનારા લોકો કેવી રીતે અમીર બન્યા છે, પણ હકીકતમાં આ બધું એક મોટું છળકપટ હતું. આવો, જાણીએ કે કેવી રીતે ભારતના હોવા છતાં નેપાળમાંથી કામ કરનારા યુવાનોએ માત્ર એક મહિને રૂ. 10.40 કરોડથી વધુની ઠગાઈ કરીને લોકોનાં સપનાંને તોડી નાખ્યા.
શાહદરાના DCP પ્રશાંત ગૌતમના જણાવ્યા મુજબ, આ ઠગો 27-28 વર્ષની ઉંમરના હતા. માત્ર એક મહિને તેમણે રૂ. 10 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. આ લોકો સોશિયલ મિડિયા, વોટ્સએપ કે ટેલિગ્રામ પર લોકોનો સંપર્ક કરતા હતા. પોતાને શેર બજારના નિષ્ણાત કે ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે ઓળખાવતાં અને કહેતાં – અમે તમને ઓછી મહેનતમાં વધુ રિટર્ન અપાવી શકીએ છીએ.
શરૂઆતમાં તેઓ થોડી રકમ માગતા અને ખોટો નફો બતાવતા અથવા ક્યારેક થોડી રકમ પાછી પણ આપતા, જેથી લોકોનો વિશ્વાસ જિતાય. પછી ધીરે-ધીરે વધુ મૂડીરોકાણ માટે કહેતા. જ્યારે વ્યક્તિ લાખો રૂપિયા લગાવી દે, ત્યારે બહાનું બનાવતા કે “એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે” અથવા “મોટું નુકસાન થઈ ગયું છે. પછી ફોન ન ઉઠાવતા, જવાબ ન આપતા અને અચાનક ગાયબ થઈ જતા.
