CM નીતીશકુમારે કરેલા પૂલના ઉદઘાટનમાં તિરાડો પડી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી બિહારમાં પૂલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની રહી છે., જેના વિડિયો પર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. રાજકીય પક્ષો સતત એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટનામાં એક પૂલના બાંધકામમાં ગંભીર ખામીના અહેવાલ છે.

સોશિયલ મિડિયા પર પટનામાં જેપી ગંગા પથ (જેપી સેતુ)નો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પૂલ પરની તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં CM નીતીશકુમારે આ પૂલનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ ત્રણ દિવસમાં જ આ પૂલમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. જેને કારણે બાંધકામ સામે સવાલો ઊભા થયા છે.

પટનાનો જેપી ગંગા પથ 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. CM નીતીશકુમારે ત્રણ દિવસ પહેલાં જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂલના પિલર નંબર A-3 પાસે આ તિરાડો જોવા મળી રહી છે. પૂલની બંને લેનમાં આ તિરાડો દેખાય છે. CM નીતિશકુમારે નવ એપ્રિલે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે  બિહારના બંને નાયબ CM, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામપ્રધાન નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર રહ્યા હતા.

આ પૂલ પરથી વાહનોની અવરજવર શરૂ થઈ હતી. વાહનોનું દબાણ વધતાં રોડ પર તિરાડો પડી ગઈ. તિરાડો જોઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે. શંકા છે કે બાંધકામની ગુણવત્તા સાથે ક્યાંક બાંધછોડ કરવામાં આવી છે.

સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પૂલનું ઉદ્ઘાટન કરી દીધું છે. તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેક્નિકલ પરીક્ષણો અને સેફટી ચેક યોગ્ય રીતે કરવામાં આવી નહોતી.