સુરત: ગુજરાતના ચીખલીમાં વારી એનર્જીસ દ્વારા ભારતના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ગિગા ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ, કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને સાંસદ તેમજ વન નેશન વન ઇલેક્શનના ચેરપર્સન પી. પી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હિતેશ દોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચીખલીમાં અમારી 5.4 ગિગાવોટ સોલર સેલ ગિગાફેક્ટરીના લોન્ચ સાથે વારી ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટેક્નોલોજી પુનરુત્થાનનો પાયો નાંખી રહી છે. આ અમારું રાષ્ટ્રીય ઘોષણાપત્ર છે, જે સોલર સેલમાં જડેલું છે. એક એવી બ્લુપ્રિન્ટ જે આપણા આર્થિક માર્ગને નવેસરથી લખશે, વૈશ્વિક ટેક્નોલોજીકલ પરિમાણોને વિક્ષેપિત કરશે અને ભારતને પરોક્ષ ગ્રાહકથી વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ક્રાંતિના અગ્રણી તરીકે આગળ લઈ જશે.
વધુમાં કહ્યું કે અમારી ગિગાફેક્ટરી એ કેવળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સવિશેષ છે. તે એક પવિત્ર રાષ્ટ્રીય કરાર છે અને નવીનતા, સ્થિતિસ્થાપકતા અને અવિશ્વસનીય સંભાવનાની ભારતની અતૂટ ભાવનાની સાક્ષી છે. અહીં ઉત્પાદન થતો દરેક સોલર સેલ આપણા દેશની આકાંક્ષાના ડીએનએને સમાવે છે જે ટેક્નોલોજીકલ વર્ચસ્વ, આર્થિક આત્મનિર્ણય અને વૈશ્વિક નેતૃત્વનું સ્વપ્ન છે. અમે અહીં કેવળ ઊર્જાનું જ ઉત્પાદન નથી કરતા, અમે રાષ્ટ્રીય ગૌરવની નવી ગાથા ઊભી કરીએ છીએ જ્યાં સ્વદેશી નવીનતા આપણી સૌથી શક્તિશાળી નિકાસ બને છે.આ પોતાના સાચા સ્વરૂપમાં રહેલું આત્મનિર્ભર ભારત છે. કેવળ આત્મનિર્ભરતા જ નથી. પરંતુ સમગ્ર વિશ્વને એક નિર્ભિક જાહેરાત છે કે, ભારત વૈશ્વિક ઊર્જાના ક્ષેત્રે નેતૃત્વ કરશે, નવીનતા લાવશે અને પરિવર્તન લાવશે.”
(અરવિંદ ગોંડલિયા-સુરત)
