કોંગ્રેસ 2027માં રાજ્યમાં સરકાર બનાવશેઃ પવન ખેડા

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ  થઇ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. આ અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રસના દિગ્ગજ નેતા અમદવાદ પહોંચ્યા છે.

આ અધિવેશનમાં પવન ખેડાએ મિડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઉદાસીનો માહોલ અને અંધારપટ છવાયેલો છે. દલિત, આદિવાસી, પછાત વર્ગ અને મહિલાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.

દેશના ભવિષ્ય વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટનાં વાદળો છવાયાં છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.

આઝાદીના આંદોલનમાં પણ ગુજરાતે જ દિશા બતાવી હતી. અમે ફરીથી ઊર્જા લઊને આ પડકારોનો સ્વીકાર કરીશું. હજુ પણ આખો દેશ કોંગ્રેસ પાસે આશાની નજરે જોઇ રહ્યો છે. જનતાને વિશ્વાસ છે, કોંગ્રેસ જ રસ્તો બતાવશે.

સરદાર વલ્લભભાઇ પટેલ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ઇતિહાસ જોઇ લો, સરદાર વલ્લભભાઇ પટેલ, મહાત્મા ગાંધી ગુજરાતથી આવ્યા હતા. ગુજરાતે હંમેશાં દેશને રસ્તો બતાવ્યો છે. હવે અમારી તરફ આશા સાથે જોઇ રહ્યો છે કે તમે આગળ વધો અને તમારી સાથે છીએ. કોંગ્રેસ જ્યારે પણ સંઘર્ષના માર્ગ પર આવે છે, તો દેશને લાભ થાય છે. કોંગ્રેસનું મૂળ સમર્પણ, સંકલ્પ અને સંઘર્ષ છે.