કોંગ્રેસને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓના જોઈએ છે મતઃ નિશિકાંત દુબે

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરની માહિતી પાકિસ્તાનને આપવાને મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર અને વિદેશમંત્રી એસ. જયશંકરને ઘેરી રહ્યા છે. એ દરમ્યાન લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ 1991ના ભારત-પાકિસ્તાન સમજૂતીને લઈને કોંગ્રેસ પર જ હુમલો કર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે ભારતીય સેનાના મુવમેન્ટ્સ અને યુદ્ધાભ્યાસની માહિતી પાકિસ્તાનને આપવાની સમજૂતો કેમ કરવામાં આવી હતી?

વાસ્તવમાં, કોંગ્રેસે વિદેશમંત્રી એસ. જયશંકરને નિશાન બનાવતાં કહ્યું હતું કે પાકિસ્તાનને પહેલેથી જ હુમલાની જાણકારી કેમ આપી? આ મુદ્દે નિશિકાંત દુબેએ એક દસ્તાવેજ રજૂ કર્યો છે. તેમણે X (હવે ટ્વિટર) પર આ દસ્તાવેજ શેર કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1991માં થયેલી સમજૂતી અનુસાર બંને દેશો સૈન્યાભ્યાસ અંગે પહેલેથી જ એકબીજાને જાણ કરશે. બંને દેશો સેનાનાr મgવમેન્ટ અંગે પણ માહિતી શેર કરશે.

નિશિકાંત દુબેએ સવાલ કર્યો હતો કે  શું આ સમજૂતી દેશદ્રોહ છે?
ભાજપ નેતા નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને કોંગ્રેસને નિશાન બનાવ્યું છે. તેમણે લખ્યું હતું કે રાહુલ ગાંધીજી, આ તો તમારી જ સરકારના સમયમાં કરાયેલ સમજૂતી છે. 1991માં તમારી પાર્ટી સમર્થિત સરકારે આ સમજૂતી કરી હતી કે કોઈ પણ હુમલા અથવા સેનાની હલચલની જાણકારી ભારત અને પાકિસ્તાન એકબીજાને આપશે. શું આ સમજૂતી દેશદ્રોહ છે? કોંગ્રેસનો હાથ પાકિસ્તાની મતબેંક સાથે છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબે કહે છે કે “અમે 1947થી જ પાકિસ્તાનને આતંકવાદી દેશ માનતા આવ્યા છીએ. અમે 78 વર્ષથી કાશ્મીરના મુદ્દા પર લડી રહ્યા છીએ અને અમારી ધરતી પર પાકિસ્તાને કબજો કર્યો છે. છતાં પણ કોંગ્રેસે તેમને રાહતો આપી છે – પછી તે 1950ની નેહરુ-લિયાકત સમજૂતી હોય, સિંધુ જળ સંધિ હોય કે 1975ની શિમલા સમજૂતી હોય.

ભાજપ સાંસદે કહ્યું કે અમે સંસદમાં કદી પણ આ અંગે ચર્ચા કરતા નથી કે કોઈ દેશની રક્ષણ વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે. પરંતુ 1991માં જ્યારે ચંદ્રશેખરના નેતૃત્વવાળી સરકારને તમે સમર્થન આપી રહ્યા હતા અને 1994માં જયારે પી.વી. નરસિંહ રાવની સરકાર હતી ત્યારે આ સમજૂતી અમલમાં મૂકી હતી અને તેમાં લખ્યું હતું કે સેના, નૌસેના ક્યાં તૈનાત રહેશે અને વાયુસેના કેવી રીતે કાર્ય કરશે. શું આ બધી વાતો દેશદ્રોહ નથી?