સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, ક્યા ઠરાવને મંજૂરી અપાશે તેના પર સૌની નજર

અમદાવાદ: 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાજ્યમાં મળી રહ્યું છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાયા બાદ આજે સાબરમતીના તટે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરવા માટે ભેગા થયા છે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતા જયરામ રમેશ, પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના કુલ 140થી વધારે લોકો સ્ટેજ ઉપર હાજર છે.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તેમની સાથે CPP અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાત કોંગ્રેસના નેતા અને મોટી સંખ્યામાં CWC સભ્યો પણ હાજર રહ્યા.

અશોક ગેહલોતે જણાવ્યું કે ગઇકાલે CWC બેઠકમાં જે પ્રસ્તાવ નક્કી કરાયા હતા તે આજે અધિવેશનમાં પણ મૂકવામાં આવશે. પ્રસ્તાવ નક્કી થશે. અધિવેશનને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ છે. કોંગ્રેસનો બીજો વિકલ્પ નથી, લોકોને પણ કોંગ્રેસ જ જોઈએ છે.