કોંગ્રેસે આજે સવારે સંસદ કાર્યાલયમાં બોલાવી સાંસદોની બેઠક, કાળા કપડા પહેરીને આવવા સૂચના

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ પાર્ટીએ પોતાનો મોરચો ખોલી દીધો છે અને સતત તેની ગતિવિધિઓ તેજ કરી છે. આ ક્રમમાં, સોમવારે  પાર્ટીના લોકસભા અને રાજ્યસભા સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સંસદના સીપીપી કાર્યાલયમાં સવારે 10.30 કલાકે યોજાવાની છે. સાંસદોને કાળા કપડા પહેરીને બેઠકમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. બેઠક પૂરી થયા બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધી બુધવારેના રોજ સંસદની સદસ્યતા ભંગ થયા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. તેઓ અહીં કોંગ્રેસના સાંસદોની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.

સાંસદોએ કાળા કપડા પહેર્યા હતા

આ દિવસે પણ કોંગ્રેસના સાંસદોએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો, જ્યારે બેઠકમાં હાજરી આપવા આવેલા રાહુલ સફેદ ટી-શર્ટમાં આવ્યા હતા. કોંગ્રેસ અદાણી જૂથના મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિની સ્થાપનાની માંગ કરી રહી છે અને રાહુલ ગાંધીને લોકસભામાંથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવાના વિરોધમાં પણ આગેવાની કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થનમાં અને તેમની ગેરલાયકાતના વિરોધમાં કોંગ્રેસના સાંસદો, નેતાઓ અને કાર્યકરોએ લાલ કિલ્લા પાસે ‘લોકતંત્ર બચાવો મશાલ શાંતિ માર્ચ’ પણ કાઢી હતી, જ્યાં પોલીસે પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ ઓમ બિરલા વિરુદ્ધ ઠરાવ લાવી શકે છે

દરમિયાન, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે વિપક્ષી સભ્યોને બોલવા દેવામાં આવી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાના એક દિવસ પછી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અદાણીનો મુદ્દો ઉઠાવવાની વિપક્ષને તક ન મળી રહી હોવાનો દાવો કરતી સૂચના સાથે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.