કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાનૂનમાં ફેરફારને લઈ થયેલી હિંસા બાદ હજી પણ ત્યાં તણાવપૂર્ણ વાતાવરણ છે. અહીં શાંતિ જળવાઈ રહે એ માટે કેન્દ્રીય સુરક્ષા દળોની અનેક ટુકડીઓ સ્થાનિક પોલીસ સાથે મળીને ડ્યૂટી પર છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ આ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે.
તેમણે કહ્યું હતું કે અમે સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ રાખીએ છીએ. હું શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદમાં વિશ્વાસ રાખું છું. હું તમને વિનંતી કરું છું કે જો કોઈ ભાજપની વાતથી પ્રેરાઈને બંગાળમાં અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરશે.
મુર્શિદાબાદમાં વકફ એક્ટને લઈ થયેલી હિંસા અંગે તેમણે વિપક્ષના તમામ આરોપો નકારી કાઢ્યા છે. ઇમામો સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે જો TMC આ હિંસામાં સામેલ હોત, તો અમારી પોતાની પાર્ટીના નેતાઓનાં ઘરો પર હુમલાઓ ના થાત.
તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો અન્ય રાજ્યોની જૂની હિંસાની વિડિયો ક્લિપ બતાવીને તેને બંગાળની હિંસા તરીકે રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ભ્રમિત કરવા માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ જાણબૂજીને વકફ કાનૂનના નામે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી મુસ્લિમ સમુદાયના હકો માટે હંમેશાં લડતી આવી છે અને હિંસાનું TMC ન તો સમર્થન કરે છે, ન તો સહન કરે છે.
કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે તમે વકફ બોર્ડની શક્તિ ઓછા કરવાની કોશિશ કરી રહ્યા છો. તમારી પાસે બહુમતી છે, છતાં તમે આવી રીતે વર્તી રહ્યા છો. ચંદ્રબાબુ નાયડુ શાંતિથી બેઠા છે, નીતિશકુમાર પણ કંઇ બોલતા નથી, માત્ર પાવર માટે સમર્થન આપી રહ્યા છે. વિચાર કરો, શું તમારે તેમને મત આપવો જોઈએ હતો?
