CM ભૂપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના કર્યા દર્શન

76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24 માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યપ્રધાન મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

ગળતેશ્વર મંદિરનું નિર્માણ સોલંકી યુગમાં 12મી સદીમાં થયું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપના રાજા ગળતેશ્વરે કરી હોવાનું માનવામાં આવે છે, જેઓ શિવભક્ત હતા. આ મંદિરની સ્થાપત્ય શૈલી સોલંકી અને મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ છે, જે આ મંદિરને અન્ય મંદિરોથી અલગ પાડે છે.