નવી દિલ્હીઃ વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન્સમાં સામેલ છે. આ પ્લેટફોર્મ પર વિશ્વભરમાં 295 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે. દેશમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપના 50 કરોડથી વધુ યૂઝર્સ છે. આવી પરિસ્થિતિમાં આ એપ સ્કેમર્સને પણ આકર્ષે છે. સાયબર ગુનેગારો મેટાના આ એપ મારફતે લોકોને નવા-નવા રસ્તે ઠગવાનો પ્રયાસ કરે છે.
હાલના આ દિવસોમાં વોટ્સએપ પર એક નવા પ્રકારના સ્કેમને લીધે હાહાકાર મચી ગયો છે. યુઝર્સને વોટ્સએપ પર શેર કરવામાં આવેલા ફોટો પર ક્લિક કરતાની સાથે જ જેતે વ્યક્તિના બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યાં છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર વાયરસવાળી લિંક્સ સાથે ફોટો શેર કરે છે. યુઝર્સ આ ફોટો પર ક્લિક કરે છે તેમ જ તેમના ફોનનો એક્સેસ સાયબર ગુનેગારોએ મેળવી લે છે. ત્યાર બાદ યુર્સના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.
આ રીતે થઈ રહ્યું છે કૌભાંડ
સાયબર ગુનેગારો વોટ્સએપ પર અજાણ્યા નંબરથી ફોટો મોકલે છે. આ તસવીરો લગ્નના આમંત્રણ અથવા કોઈ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે હોય છે. લોકો વિચાર્યા વિના આ ફોટો પર ક્લિક કરી દે છે. સાયબર ક્રિમિનલ્સ આ ફોટો સાથે છુપાવેલો મેલવેર કોડ પણ મોકલે છે. ફોટો ડાઉનલોડ કરતાની સાથે યૂઝરના ફોનમાં મેલવેર પણ છુપાઇને ડાઉનલોડ થઇ જાય છે અને ડિવાઇસનો કંટ્રોલ હેકર્સના હાથમાં ચાલી જાય છે. આ મેલવેર એટલા ખતરનાક હોય છે કે તેઓ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનને પણ બાયપાસ કરી શકે છે.
કેવી રીતે બચવું?
સાયબર ગુનેગારો આ નવા સ્કેમ દ્વારા એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. તેનાથી બચવા માટે વોટ્સએપ યુઝર્સે નીચે મુજબ સાવધાની રાખવી જરૂરી છેઃ-
- અજાણ્યા નંબરથી આવેલા ફોટા કે ફાઇલ્સ પર ક્લિક કરવાથી બચો.
- વોટ્સએપની સેટિંગ્સમાં જઈને ઓટો-ડાઉનલોડ ફીચરને બંધ કરો.
- તમારા ફોન અને એન્ટિ-વાયરસ સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ રાખો.
- અજાણ્યા નંબરથી આવેલા મેસેજ, કોલ, ફોટા વગેરેને સંચાર સાથી (Sanchar Saathi) પોર્ટલ અથવા એપ પર રિપોર્ટ કરો.
