કાશ્મીર ઘાટીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક SOG (જમ્મુ-કાશ્મીર પોલીસ)ના જવાનને ગોળી વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે ઓપરેશન ચાલુ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના સોપોરના હદીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર સેના, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ જવાનોને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા જવાબી ગોળીબાર સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં બે આતંકીઓ માર્યા ગયા છે. જો કે હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આતંકીઓએ કરેલા ગોળીબારમાં SOGના એક જવાનને ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ડોડામાં તાજેતરમાં થયેલા હુમલાના સંદર્ભમાં સુરક્ષા દળોએ ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. અધિકારીઓનું માનવું છે કે જિલ્લાના પહાડી વિસ્તારોમાં ત્રણથી ચાર આતંકીઓ હાજર છે. 11 જૂનની રાત્રે આતંકવાદીઓએ ભદરવાહ-પઠાણકોટ રોડ પર એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન અને એસપીઓ ઘાયલ થયા હતા.
ડોડા જિલ્લાના જય વિસ્તારમાંથી સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત કરાયેલા ત્રણ લોકોની વચ્ચે એક દંપતી પણ સામેલ છે. તેઓ આતંકવાદીઓને ખોરાક પૂરો પાડતા હોવાની શંકા છે. આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે, અગાઉ પોલીસે કહ્યું હતું કે તાજેતરમાં રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલાની તપાસમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.