ધંધુકાના અનોખા શિવભક્તને બિરદાવીને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ધંધુકાના રંગપુર ગામના 88 વર્ષીય શિવભક્ત અને વૃક્ષપ્રેમી હરજીભાઈ ચૌહાણને શુભેચ્છા સંદેશ પાઠવીને બિરદાવ્યા હતા. પત્રમાં મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, હરજીભાઈ યુવાનોને શરમાવે તેવી ગજબ સ્ફૂર્તિ ધરાવે છે. છેલ્લાં 50 વર્ષથી તેઓ દર શ્રાવણ માસમાં અનોખી રીતે શિવભક્તિ કરે છે. તેમના ઘર નજીકના વાડામાં તેમણે જ ઉછેરેલા 70 બિલ્વપત્રના વૃક્ષ પર ચડીને દરરોજ અલગ અલગ વૃક્ષ પરથી બિલ્વપત્ર ઉતારી ધંધુકા પાસેના ભીમનાથ મહાદેવના મંદિરે મોકલે છે. તેઓ દર વર્ષે શ્રાવણ માસમાં સવા લાખ બિલ્વપત્ર મોકલાવે છે. મુખ્યમંત્રીશ્રીએ હરજીભાઈની અતૂટ આસ્થા અને ભક્તિભાવપૂર્ણ સમર્પણ ભાવ અંગે જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.હરજીભાઈએ ગામના તળાવના કિનારે જાબુના 40 વૃક્ષ ઉછેરી અન્ય લોકોને પણ ઉછેરવાની પ્રેરણા આપી છે. આ ઉપરાંત હરજીભાઈને કોઈ વ્યસન નથી અને યુવાનોને પણ વ્યસનથી દૂર રહેવા સમજાવે છે. જેની નોંધ લઈ મુખ્યમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી.શુભેચ્છા સંદેશમાં હરજીભાઈ દ્વારા થતી પૂજા, નિયમિત ધાર્મિક ગ્રંથોનું વાંચન અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી તથા ઈશ્વરમાં અતુલ્ય આસ્થાને કારણે ગ્રામજનોએ આપેલ “ભગત’ના ઉપનામને મુખ્યમંત્રીએ યથાર્થ ગણાવ્યું છે.