મુખ્યમંત્રીએ ૬૫મા ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી છે. રાજ્યની જનતાને પાઠવેલા સંદેશમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના ૬૫મા ગૌરવવંતા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ..
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.

ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે.

આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે.

૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના ૨૫ વર્ષનો કાલખંડ અમૃતકાળ સાથે કર્તવ્યકાળ પણ છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે.

ગરીબ, અન્નદાતા-ખેડૂત, યુવાશક્તિ અને મહિલા એમ ગ્યાનશક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી છે. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત, છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક લાભાર્થીને 100 ટકા પહોંચે છે. ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૪૭ સુધીમાં ૭૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કર્યું છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટના પરિણામે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે. ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરનારી આ સમિટે ૨૦ વર્ષની યાત્રા પૂરી કરી છે.

ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.

ગુજરાત વિકાસનું જે રોલ મોડલ બન્યું છે, તેને વિકસિત ગુજરાત @૨૦૪૭ દ્વારા આપણે વધુ નવી ઉંચાઈ આપવી છે. આ માટે વિકસિત ગુજરાત@ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટથી સંપૂર્ણ યોગદાન આપવા કમર કસી છે. દેશમાં આવું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ આપણે મેળવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ વિઝન ડોક્યુમેન્ટમાં દેશના અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે.

પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પ્રેરણા આપી છે. ગુજરાતે એનો પ્રતિસાદ આપતાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે ‘કેચ ધ રેઈન’ની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક પેડ માં કે નામ’ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી કરવાનો નિર્ધાર આપણે કર્યો છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ ઊભાં કરવાના છીએ. આપણાં અમદાવાદે તો ૭૦ લાખથી વધુ વૃક્ષો વાવીને એ દિશામાં આગવું ઉદાહરણ પુરું પાડ્યું છે.

સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે આપણે મેદસ્વિતા મુક્ત ગુજરાતનો સંકલ્પ કર્યો છે. આપણું અને ધરતી માતાનું બન્નેનું સ્વાસ્થ્ય સારું રાખવા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે વધુને વધુ ખેડૂતોને પ્રેરિત કરવા છે. આવા સામાજિક જાગૃતિના અભિયાનોને વેગવંતા બનાવીને દરેક નાગરિક માટે લિવિંગ વેલને વધુ સંગીન કરવાની નેમ રાખી છે.

ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે-ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક અનેક શુભેચ્છાઓ.