ગાંધીનગર: ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘ભારત પર્વ 2025’નું ભવ્ય આયોજન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા અને હસ્તકલાને ઉજાગર કરવામાં આવી છે. અહીં તમને આ જીવંત ઉત્સવ અનેકતામાં એકતાની ઝલક રજૂ કરે છે. ભારત પર્વમાં વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિશિષ્ટ વારસાનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં તેલંગાણાની અનોખી ચેરિયાલ પેઇન્ટિંગ્સ દર્શાવતો સ્ટોલ તેના રંગો, કથાઓ અને ઇતિહાસ માટે અલગ તરી આવ્યો છે.
તેલંગાણાની 24 વર્ષીય ચેરિયાલ કલાકાર સી.એચ.વંશિથા અને તેના માતા તેમના પ્રાંતની સંસ્કૃતિની સદીઓ જૂની વાર્તાને ચેરિયાલ પેઇન્ટિંગ્સ દ્વારા રજૂ કરવા અને આ કળાને સાચવવાના મિશન પર છે. ચેરિયાલ કળા એ તેલંગાણાના ચેરિયાલ ગામની એક પરંપરાગત સ્ક્રોલ પેઇન્ટિંગ શૈલી છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને ગ્રામીણ જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ કળામાં જીવંત અને જટિલ કથાત્મક ચિત્રો ખાદીના કાપડ પર બનાવવામાં આવે છે. તેમાં આમલીના બીજની પેસ્ટ, ચોખાનો સ્ટાર્ચ અને ચૉક પાઉડરના મિશ્રણનો ઉપયોગ થાય છે, જે પેઇન્ટિંગ માટે મજબૂત બેઝ તૈયાર કરે છે.
તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, જેના રંગો મંત્રમુગ્ધ કરી નાખે છે. આ કળાને તેના સાંસ્કૃતિક વારસા માટે જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઇ) ટૅગ મળ્યો છે. ચેરિયાલ પેઇન્ટિંગ્સની ખાસિયત તેના કુદરતી રંગો છે. કલાકારો ખનિજો, ફૂલો, દરિયાઇ શેલ વગેરેમાંથી કલર મેળવે છે અને તેને હેન્ડમેડ બ્રશ દ્વારા કાપડ પર ઉતારે છે. રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓ જેવા ભારતીય મહાકાવ્યોના દ્રશ્યો આ પેઇન્ટિંગ્સમાં અદભુત લાગે છે. દરેક ચિત્ર એક જીવંત વિઝ્યુઅલ સ્ટોરીની જેમ પ્રગટ થાય છે, જે ગ્રામીણ તેલંગાણાની સમૃદ્ધ પરંપરાઓ અને જીવનશૈલીનું વર્ણન કરે છે.
બૅકગ્રાઉન્ડમાં ચળકતો લાલ રંગ, ચહેરાની અભિવ્યક્તિ અને બોલ્ડ આઉટલાઇન ચેરિયાલ પેઇન્ટિંગ્સની ઓળખ છે. પરંપરાગત રીતે લોક ગાયકો અને કલાકારો દ્વારા તેમની વાર્તા રજૂ કરવા માટે આ ચિત્રોનો ઉપયોગ કરે છે, પરંતુ આજે આ હસ્તકલા વૉલ હેન્ગિંગ્સ (ફોટોફ્રેમ કે પોસ્ટર્સ), માસ્ક અને કલાત્મક સુશોભનની વસ્તુઓ સુધી પણ વિસ્તરી છે. આ હસ્તકલાને નકશી કલાકારો (ચેરિયાલ ચિત્રકારો)ની પેઢીઓ આગળ ધપાવી રહી છે, જેઓ સદીઓ જૂની તકનીકોને જાળવી રાખીને તેમાં નવીનતા ઉમેરી રહ્યા છે.
ભારત પર્વ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ચેરિયાલ પેઇન્ટિંગ્સને રસપૂર્વક નિહાળી હતી અને પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રોનું વર્ણન પણ સાંભળ્યું હતું. પહેલી વખત ભારત પર્વ જેવા કાર્યક્રમમાં સામેલ થનારી અને બી.ટેક.ની ડિગ્રી ધરાવતી સી.એચ. વંશિથાએ જણાવ્યું કે, “હું બાળપણથી જ આ કળાના પરિચયમાં છું. મારી માતા છેલ્લા 15 વર્ષોથી આ કળા પ્રત્યે સમર્પિત છે અને હું છેલ્લા ચાર વર્ષથી આ કળા સાથે જોડાયેલી છું. અમે બનાવેલા દરેક ચિત્રમાં આપણાં દેવતાઓ, પૂર્વજોની વાર્તાઓ છે. અમારું લક્ષ્ય છે કે આ કળાના માધ્યમથી દુનિયા જાણે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે.”


