ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરાશે

અમદાવાદઃ વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે આવતી કાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે અને 5000થી વધુ પાનાંની ચાર્જશીટ ફાઈલ થશે, જેમાં તૈયાર કરાયેલી ચાર્જશીટમાં 105 સાક્ષીઓનો સમાવેશ થાય છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમા એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે આ ચાર્જશીટમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેનો પણ ખુલાસો કરવામાં આવશે. સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ આઠ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.

ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ સાત ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે. EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.