મુંબઈ: ઉત્તર પ્રદેશના બદોહી જિલ્લાના કૉલેજ વિદ્યાર્થી ચંદન યાદવ અને મહારાષ્ટ્રના નાસિકની રહેવાસી રવિના ગાયકવાડે રવિવારે અહીં 8મી એજીસ ફેડરલ લાઈફ ઈન્સ્યોરન્સ મુંબઈ હાફ મેરેથોન 2024માં અનુક્રમે પુરૂષો અને મહિલાઓના ટાઈટલ જીત્યા હતાં. 21 વર્ષીય ચંદન, જે ઘણી વખત પહેલા પોડિયમ પર પહોંચી ચૂક્યો હતો, તેણે ફિનિશ લાઇન પહેલા અડધો કિલોમીટર પહેલા તેની સ્પીડ વધારી અને એક કલાક 11.01 મિનિટમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે કે નીતિશ કુમાર 1 કલાક 11.54 મિનિટના સમય સાથે બીજા ક્રમે તો પીયૂષ મસાને 1 કલાક 13.20 મિનિટના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા.
મહિલા વર્ગમાં 19 વર્ષની રવિનાએ 21 કિલોમીટરની રેસમાં પોતાનું ડેબ્યૂ યાદગાર બનાવ્યું હતું અને એક કલાક 27.43 મિનિટના સમયમાં જીત મેળવી હતી. તેણીએ સેનેટ લેસ્ચાર્જ (1:29.41) કરતાં લગભગ બે મિનિટ પહેલા દોડ પૂર્ણ કરી હતી. જ્યારે રૂકમણી ભૌરેએ 1:31.23 મિનિટના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અનુભવી ક્રિકેટર અને સ્પોન્સરના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકરે વિજેતા ખેલાડીઓને ઈનામોનું વિતરણ કર્યું હતું. પુરુષોની 10 કિમી મેરેથોનમાં યુવરાજ યાદવે 31.50 મિનિટમાં રેસ પૂરી કરી પ્રથમ સ્થાળ મેળવ્યું હતું. જ્યારે મનીષ કુમાર નાયકે 32.14 મિનિટના સમય સાથે સિલ્વર અને અમિત માલીએ 33.25 મિનિટના સમય સાથે બ્રોન્ઝ જીત્યો.
મહિલા વર્ગમાં સોનાલી દેસાઈ 39.47 મિનિટના સમય સાથે સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે રહી હતી. દિવ્યા પિંગલે 41.50 મિનિટના સમય સાથે બીજા ક્રમે અને રજની ત્યાગી 43.52 મિનિટના સમય સાથે ત્રીજા સ્થાને છે. આ સ્પર્ધામાં 20,000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સચીન તેંડુલકરે કહ્યું હતું,’ભારતીય હોવાના નાતે અમને રમતગમત ગમે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આપણા માનસિક અને શારીરિક લાભ માટે વિવિધ રમતોમાં ભાગ લઈને રમતગમતને જીવનનો માર્ગ બનાવીએ’