સાંસદોના પગારમાં 24%નો વધારો, હવે દર મહિને કેટલાં રૂપિયા મળશે?

નવી દિલ્હી: સાંસદો અને ભૂતપૂર્વ સાંસદો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તેમના પગાર, દૈનિક ભથ્થા, પેન્શન અને વધારાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે. સંસદીય બાબતોના મંત્રાલયે ખર્ચ ફૂગાવાના સૂચકાંકના આધારે આ નિર્ણય લીધો છે. આનો છેલ્લે 2018માં વિચાર કરવામાં આવ્યો હતો.હવે સાંસદોનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે પગારમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાંસદોને આપવામાં આવતો દૈનિક ભથ્થું પણ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો
ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. તેમનું માસિક પેન્શન હવે 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાંચ વર્ષથી વધુ સમયગાળા માટે દર વર્ષે વધારાનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે.આ નિર્ણય સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે, જેમાં આ સુવિધા તેમને 1954ના સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શન કાયદા હેઠળ આપવામાં આવી છે.

દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે
2018થી, સાંસદોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા દર પાંચ વર્ષે કરવામાં આવે છે. આ સમીક્ષા ફૂગાવાના દર પર આધારિત છે. 2018માં, સાંસદોના પગાર અને ભથ્થાં અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો.